અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી દિવાળીની ખરીદી માટે બજારોમાં ભીડ એકત્ર થઈ રહી છે, આ ભીડના કારણે જ કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે, આ દાવો અમદાવાદ હોસ્પિટલ એન્ડ ર્નિંસગ હોમ્સ સોસિયેશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ કર્યો છે.
બજારોમાં ભીડ ઊમટતાં સોશિયલ ડિસ્ટન્સના લીરા ઊડયા છે, લોકો માસ્ક વિના જ બજારોમાં ફરી રહ્યા છે, ભેગા નહીં થવાની સરકારની વિનંતીને ઠુકરાવતાં આ સ્થિતિ ઊભી થઈ છે. હવે શહેરની ૭૧ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ગુરુવારની સ્થિતિએ માંડ ૪૨૩ બેડ જ ખાલી પડયા છે, જો આ સિલસિલો રહેશે તો આગામી દિવસોમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડના ઇલાજ માટે બેડ મેળવવાનાય ફાંફાં પડી જાય તો નવાઈ નહીં તેમ તબીબો કહે છે.
શિયાળામાં કેસો વધશે તેવી પણ તબીબો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડના કારણે શહેરમાં ફરી એક વાર કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ છે, ખાનગી હોસ્પિટલોમાં માંડ ૪૨૩ બેડ ખાલી પડયા છે. કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યા પણ વધી છે. ૧૨ દિવસ પહેલાં આઈસીયુ વિથ વેન્ટિલેટર બેડ પર ૭૮ દર્દી સારવાર લેતાં હતા, આજે આંકડો વધીને ૧૧૩ પર પહોંચી ગયો છે.
ખાનગી હોસ્પિટલોના બિછાને ૧૨ દિવસ પહેલાં આઈસીયુમાં ૧૬૧ દર્દી સારવાર હેઠળ હતા, આજે ૨૬૪ દર્દી સારવાર લઈ રહ્યા છે. ૧૨ દિવસ પહેલાં ખાનગી હોસ્પિટલોમાં ૧,૩૯૮ દર્દી દાખલ હતા અને આજે આ આંકડો ૧,૭૧૨ને પાર કરી ચૂક્યો છે.
બજારોમાં દિવાળીની ખરીદી માટે જોરદાર ભીડ, નિદ્રાધીન તંત્રનું મોડે મોડે થર્મલ ગનથી સ્કેનિંગ દિવાળીના તહેવારો ટાણે શહેરના વિવિધ બજારોમાં જોરદાર ભીડ ઊમટી પડી છે, કોરોના જતો રહ્યો હોય તેમ બજારોમાં માનવ-મહેરામણ ઊમટી રહ્યું છે. આ સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સરકારની ગાઈડ લાઈનના પણ લીરેલીરા ઊડી રહ્યા છે. આ સ્થિતિમાં તંત્ર મોડે મોડે જાગ્યું છે, ગુરુવારથી લાલ દરવાજા માર્કેટમાં થર્મલ ગનથી સ્કેનિંગ કરવાનું શરૂ કરાયું હતું.
દિવાળીના તહેવારોને ધ્યાને રાખી અમદાવાદ મેડિકલ એસોસિયેશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિયેશન દ્વારા દર્દીઓ માટે ૧૪મીથી ૧૯મી નવેમ્બર સુધી ડોક્ટર ઓન કોલ સેવા જાહેર કરાઈ છે. નોન ઈમર્જસન્સી કેસોમાં દર્દીઓ વોટસએપ દ્વારા ડોક્ટરને પોતાની ક્વેરી મોકલાવી શકે છે, દિવાળીમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાના કારણે તકલીફ ના પડે તે માટે ૧૧મા વર્ષે આ સેવા આપશે. અમદાવાદ મેડિકલ એસોસિયેશનના ફેસબુક પેજ પર માહિતી અપાઈ છે.
એસોસિયેશને ગુરુવારે પત્રકાર પરિષદમાં એવી ભીતિ વ્યક્ત કરી છે કે, તહેવારોમાં શરદી, ખાંસી, તાવ અને હૃદય રોગના કેસો વધી શકે છે. ગત વર્ષે તહેવારોમાં ૭૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. ૧૦૮ અને હોસ્પિટલો સાથે સંકલન કરાયું છે. બીજી તરફ અમદાવાદ હોસ્પિટલ એન્ડ ર્નિંસગ હોમ્સ એસોસિયેશને જાહેરાત કરી છે કે, તેમની સભ્ય હોસ્પિટલો અને ર્નિંસગ હોમ્સ આકસ્મિક સારવાર માટે ખુલ્લા રહેશે જેની માહિતી તેમની વેબસાઈટ પર મુકાઈ છે. ૨૪ કલાક ટેલિફોનિક હેલ્પલાઈન ૦૭૯-૨૬૪૦ ૩૩ ૩૩ની વ્યવસ્થા કરાઈ છે, જેમાં આકસ્મિક સારવાર અને કોવિડ બેડ ક્યાં ઉપલબ્ધ છે તે અંગેની માહિતી પૂરી પડાશે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના તબીબોએ એવો મત વ્યક્ત કર્યો કે, દિવાળી બાદ શાળાઓ ખૂલે તો પણ બાળકોને મોકલવા ન જોઈએ. બાળકો કોરોનાની ગાઈડ લાઈનનું પાલન નહિ કરી શકે.તાવ સિવાયનાં અન્ય લક્ષણો હશે તો ટેસ્ટિંગ નહીં થાય.
AMCના હેલ્થ ખાતાના અધિકારીઓ ખુદ એવું માને છે કે, કોરોનાના દર્દીને માત્ર તાવ હોય તે જરૂરી નથી. તાવ સિવાય પણ શરદી, ખાંસી, ડાયેરિયા, ગળામાં દુખાવો, માથું દુઃખવું, પેટમાં દુઃખવું કે અન્ય લક્ષણો પણ સામે આવે છે. એક તરફ અધિકારીઓ એવું માને છે કે, તાવ સિવાય પણ દર્દીને અન્ય લક્ષણો હોઇ શકે છે છતાં પણ મ્યુનિ. જો ટેમ્પચર ગનથી માપ્યા બાદ ફીવર હોય તો કોરોનાનો ટેસ્ટ કરશે, આ કેટલે અંશે વાજબી ગણાશે. એન્ટિજેન ટેસ્ટ કરાવનારની આંગળી પર અવિલોપ્ય શાહીનું ટપકું લગાવવામાં આવશે.