ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમનાં પત્નીને કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં દિવાળીનો માહોલ છે ત્યારે કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે શુક્રવારની એક રાતમાં જ અમદાવાદમાં કોરોનાના નવા કેસોમાં અચાનક ચિંતાજનક વધારો થઇ ગયો છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીને દાખલ કરવા પડ્યા હતા. અત્યારસુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
આ અંગે નરહરિ અમીને જાતે ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતાં ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરોબર છે, પરંતુ ડોક્ટરની સલાહથી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છે. મારો અનુરોધ છે કે છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાને આઇસોલેટ કરીને તપાસ કરાવે.