બિહારમાં નવા મુખ્યમંત્રી નક્કી થઈ ગયા છે. રવિવારે યોજાયેલી NDAની બેઠકમાં નીતિશ કુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરાયા છે. સોમવારે તે રાજભવનમાં સાંજે 4 વાગ્યે 7મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NDAની બેઠક પહેલા JDUની બેઠક પણ યોજાઈ હતી.
બેઠકમાં સુપરવાઈઝર તરીકે રાજનાથ સિંહ, બિહારના ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં.ડેપ્યુટી સીએમ અંગે હાલ દાવપેચ ફસાયેલો છે. તો આ તરફ નીતિશે બેઠક પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે.
નવી અપડેટ્સ..
- ભાજપ નેતા પ્રેમ કુમારે કહ્યું કે,મારી ડેપ્યુટી સીએમ બનવાની કોઈ ઈચ્છા નથી, બસ વડાપ્રધાનનું સપનું પુરુ કરવું છે.
- ભાજપ ધારાસભ્ય શ્રેયસી સિંગ તેમની માતા પુતુલ દેવી સાથે પહોંચ્યા. પુતુલ દેવીએ દીકરીના મંત્રી બનવાના સવાલ અંગે કહ્યું કે, આ પાર્ટીનો નિર્ણય હશે. મારા મતે તો તેને તક મળવી જોઈએ.
- NDAની બેઠક પહેલા JDUની બેઠક પણ યોજાઈ હતી. જેમાં નીતિશને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરાયા છે.
નીતિશ, સુશીલ અને ચૌધરી તો નક્કી, પણ…
નીતિશ કુમાર મુખ્યમંત્રી, સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી અને વિજય કુમાર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ હશે, આ ત્રણ નામ નક્કી માનવામાં આવી રહ્યાં છે. નીતિશનું નામ NDA તરફથી, સુશીલ કુમાર મોદી અને ચૌધરીનું નામ નીતિશ તરફથી સામે આવી રહ્યું છે. પણ બેઠકમાં ભાજપના ડેપ્યુટી સીએમ અંગે કોઈ નવું સ્ટેન્ડ પણ સામે આવી શકે છે.
નીતિશ તેમના ડેપ્યુટી સુશીલ કુમાર મોદીને કાયમ રાખવા માટે જીદે ચડ્યાં છે, પણ આ અંગે ભાજપમાં બે નવા ચહેરાઓની ચર્ચા ચાલી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે ભાજપ બે ડેપ્યુટી સીએમ ઈચ્છી રહી છે. બીજી બાજુ, NDA નેતાઓને મહાગઠબંધન તરફથી અમને પ્રમુખ જીતનરામ માંઝી અને VIP પ્રમુખ મુકેશ સહનીને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર હોવાની પણ માહિતી છે. જેની સ્થિતિ પણ બેઠકમાં સ્પષ્ટ થઈ જશે.