Gandhinagar – ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહિલાઓના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં રાજ્ય સરકારે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને દસ્તાવેજ નોંધી દેવાનો મહત્ત્વનો આદેશ કરી રાજ્યભરની મહિલાઓને દિવાળી ભેટ આપી રહી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના મહેસૂલ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, હવે માત્ર રૂ.100ની સ્ટેમ્પ ડયૂટી ભરીને દસ્તાવેજ આપવાનો રહેશે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાના નામની મિલકતની ખરીદી થાય તેવા હેતુથી સ્ટેમ્પ ડયૂટી માત્ર ટોકન જેવી રૂ. 100 વસૂલવાનો નિર્ણય કરી એની અમલવારી કરવાનો હુકમ કરાયો છે.
અત્યારસુધી આવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ કે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો એ તમામની સરકારે નકકી કરેલી સ્ટેમ્પ ડયૂટી ભરીને દસ્તાવેજો નોંધાતા હતા. રાજ્ય સરકાર દ્વારા હવે આ બંને કેટેગરીમાં મહિલાઓના નામની પ્રથમ મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડયૂટીની મોટી રકમ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે. માત્ર રૂ. 100ની સ્ટેમ્પ ડયૂટી ભરી દઇ મહિલાઓના નામની પ્રથમ મિલકતના દસ્તાવેજો કરી દેવામાં આવશે.