ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બર થી શાળા કોલેજીસ શરૂ કરવાનો નિર્ણય કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉ રાજ્યની કેબિનેટની 11મી નવેમ્બરની બેઠકમાં 23મી નવેમ્બરથી શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
હમણા માંડ બે કલાક પહેલા સુધી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહેતા હતા કે 23મી નવેમ્બરથી શાળા કોલેજો ખૂલશે જ. તેમણે શિક્ષણ વિભાગના ગાંધીનગરના કમાન્ડ-કંટ્રોલ સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, શાળા સંચાલકો તેમજ સરકારી, ખાનગી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજીને તલસ્પર્શી માહિતી મેળવી હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કેન્દ્રસ્થાને રાખ્યું છે અને શાળા-કોલેજોમાં હાજરી એકદમ મરજીયાત છે અને તેની જોડે ઓનલાઇન શિક્ષણ બંધ નહીં થાય. શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 11 નવેમ્બરે નિર્ણય લેવાયો છે કે 23 નવેમ્બરથી શાળા-કોલેજો પુન: શરૂ કરવામાં આવશે.