જનતા ન્યુઝ 360, ગાંધીનગર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. કેટલાંક યુવકો વચ્ચે મારા મારી થતાં એક યુવકનું મોત થયું છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મારામારીની ઘટના સીટીટીવી કેદ થઇ છે. હાલ આ મામલે પોલીસે ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, ગાંધીનગરમાં કુડાસણ નજીક રિલાયન્સ ચોકડી પાસેના અડધી રાતે મરામારીના દ્રશ્યો સામે આવ્યા છે. આરોપીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં મારામારી થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મારામારીમાં કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ (ઉં.વ. 24) પર છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું મોત થયું છે. જ્યારે અભિમન્યુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને શરીરનાં પાછળના ભાગે તીક્ષ્ણ હથિયાર ભોંકી દેવાયું હતું. આ ઉપરાંત તેને આંગળી અને મોઢાના ભાગે પણ ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, કુડાસણ નજીક સર્વિસ રોડ પર એક યુવકની હત્યા થઈ છે. જ્યારે એક યુવક ગંભીર હાલતમાં ઘાયલ થયો છે. યુવકો યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે. આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધીને પોલીસ, એલસીબી અને એસઓજી ટીમ તપાસ કરી રહી છે.
