Mon. Mar 8th, 2021
             

એજન્સી, નવી દિલ્હી

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર રહેલા ડિએગો મારડોનાનું 60 વર્ષની વય નિધન થયું છે. હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે. 60 વર્ષીય મારડોનાની થોડા દિવસ અગાઉ બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી અને બે સપ્તાહ પૂર્વે જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. મારડોનાનું નામ વિશ્વમાં મહાન ફૂટબોલના ખેલાડી તરીકે લેવાતું હતું. 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મારડોનાનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ફૂટબોલમાંથી નિવૃતી બાદ કોકેઈનના વધુ પડતા સેવન તેમજ મેદસ્વિતાને પગલે તેમની તબયિત નાદુરસ્ત રહેતી હતી. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ મહાન ફૂટબોલ ખેલાડીના સમ્માનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આર્જેન્ટિનાના સોકર એસોસિએશને પણ મારડોનાના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો છે. દુનિયાભરના લાખો ફૂટબોલ પ્રેમીઓ મારડોનાના અવસાનથી શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

મારડોના બોકા જુનિયર્સ, નપોલી અને બાર્સેલોના તરફથી ક્લબ ફૂટબોલ રમી ચૂક્યા છે. વિશ્વભરમાં તેમની ફેન ફોલોઈંગ છે. ડ્રગ્સ તેમજ દારૂના સેવનના તેઓ આદી હતા અને અનેક વખત વિવાદોમાં પણ ઘેરાયેલા રહ્યા હતા. આર્જેન્ટિના તરફથી ફૂટબોલ રમનાર મારડોનાએ 91 મેચોમાં 34 ગોલ ફટકાર્યા હતા. દેશ તરફથી મારડોના ચાર વખત વર્લ્ડ કપમાં પણ રમ્યા હતા.

મારડોનાને બાળપણથી જ કંઈક કરી છૂટવાનો જુસ્સો હતો.

10 વર્ષની ઉંમરે જ મારડોના સ્થાનિક ક્લબ એસ્ત્રોલા રોસા માટે રમવા લાગ્યો હતો. ત્યારબાદ સાધારણ રકમ ચૂકવીને લોસ કૈબોલિટાસે પોતાના તરફથી રમવા કરારબદ્ધ કર્યો હતો. ડિએગોને નાનપણથી પરિવારને ગરીબીમાંથી ઉગારવાની ધૂન સવાર હતી. અસાધારણ રમતથી તે ઘણા ચર્ચામાં રહેતા હતા. 15 વર્ષની ઉંમરે આર્જેન્ટિનોસા જૂનિયર્સમાં પ્રોફેશનલ કરિયરનો પ્રારંભ કર્યો હતો 167 મેચોમાં 115 ગોલ કર્યા હતા.

1986 વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને મારડોનાએ એકલાહાથે ચેમ્પિયન બનાવ્યું હતું.

મારડોનાએ 1986 વર્લ્ડ કપમાં દેશ તરફથી રમતા અનેક લોકોની વાહવાહી મેળવી હતી. ઈંગ્લેન્ડ સામેની અવિસ્મરણીય ક્વાર્ટર ફાઈનલ મેચમાં મારડોનાનો હેન્ડ ઓફ ગોડ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચમાં બીજા હાફની છઠ્ઠી મિનિટે 6 ફૂટ ઊંચા ઈંગ્લેન્ડના ગોલકીપર પીટર શિલ્ટોન પોતાના એરિયામાં બોલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે 5 ફૂટ 5 ઈંચના મારડોનાએ હેડર વડે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે વખતે મારડોનાનો હાથ બોલને અડી જતા બોલ ગોલપોસ્ટમાં ગયો હતો અને સદનસીબે રેફરીએ પેનલ્ટી પણ આપી નહતી. મારડોનાના આ ગોલને હેન્ડ ઓફ ગોડ કહેવામાં આવે છે અને આ જ ગોલને લીધે ઈંગ્લેન્ડનું વિશ્વિ વિજેતા બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

મારડોનાએ 1986માં એકલા પોતાના દમ પર ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી. આ વર્લ્ડ કપમાં મારડોનાએ પાંચ ગોલ ફટકાર્યા હતા જ્યારે પાંચ ગોલ કરવામાં ટીમના અન્ય ખેલાડીને મદદ કરી હતી. આ યાદગાર પ્રદર્શન બદલ મારડોનાને સર્વશ્રેષ્ઠ ખેલાડીનો ગોલ્ડન બોલ એવોર્ડ મળ્યો હતો. 1997માં પોતાના જન્મદિવસે જ મારડોનાએ ફૂટબોલમાંથી સંન્યાસ લીધો હતો અને 2008માં તેઓ લિયોનલ મેસ્સીની ટીમા કોચ બન્યા હતા પરંતુ વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમ બહાર નિકળી ગઈ હતી.

ફૂટબોલના ખેલાડી મારડોનાની જર્સીનો નંબર 10 હતો.

મારડોના આર્જેન્ટીના વતી રમતો ત્યારે તેની જર્સીનો નંબર 10 હતો. આ જર્સી નંબર પણ મારડોનાનો પર્યાય બની ગયો હતો. બ્રાઝીલના મહાન ફૂટબોલર પેલેની જર્સીનો નંબર પણ 10 હતો. મારડોના ફૂટબોલર તરીકે ખૂબજ ચપળ અને ઝડપી હોવાથી તે પોતાની રમતનો જાદૂગર હતો. તેના ડાબા પગથી તે જે વિચારતો તે મુજબ ગોલ કરી શકતો હતો. મારડોનાની 10 નંબરની જર્સી તેની હંમેશ માટેની ઓળખ બની ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *