એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. હાલમાં વડાપ્રધાનની ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક થઈ હતી. જેમાં વૅક્સિન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
ત્યાર બાદ તેમણે વૅક્સિન તૈયાર કરનાર સાયન્ટિસ્ટો સાથે પૂછપરછ કરીને વૅક્સિનની સમીક્ષા પણ કરી હતી. મોદીએ PPE કીટ પહેરીને ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતાં. ત્યાર બાદ તેઓ પુણે જવા માટે ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રવાના થયાં હતાં. જ્યાં સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને બાદમાં હૈદરાબાદ જવા રવાના થશે.

વેક્સિનના ફેઝ-2ના પરિણામોની ચર્ચા કરી
વડાપ્રધાન મોદી ઝાયડસની કોરોના વેક્સિન પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકો સાથે મળીને ફેઝ-2ના પરિણામોની ચર્ચા કરી હતી. ઝાયડસની રસીનું બીજા તબક્કાનું પરીક્ષણ ઓગસ્ટમાં શરુ થયું હતું અને જે નવેમ્બરની શરૂઆત સુધી ચાલ્યું હતું. મળતી વિગતો મુજબ વડાપ્રધાન અને પંકજ પટેલ વચ્ચે ફેઝ-3ની શરૂઆત અંગે પણ ચર્ચા કરી હતી. કંપનીએ અગાઉ ડિસેમ્બરથી ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરુ કરવાની પણ વાત કરી હતી.


વેક્સિનના ઉત્પાદન માટેની તૈયારીઓ શરુ
ઝાયડસ કોરોનાની વેક્સિન વિકસાવવાની સાથે સાથે તેનું ઉત્પાદન પણ શરુ કરવા ઉપર કામ કરી રહી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કંપની તેના એક પ્લાન્ટમાં જ 10 કરોડ ડોઝ બની શકે તેવો પ્લાન્ટ પણ બનાવી રહી છે.

અમદાવાદની ઝાયડસ બાયોટેકમાં કોરોના વેકસીનનું પ્રોડક્શન થશે જે માટે ઝાયડસ બયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીં ટ્રાયલ વૅક્સિનનું નિરિક્ષણ કરશે અને રસી તૈયાર કરનારા વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરશે. અમદાવાદની ઝાયડસ બયોટેકમાં ઝાયકોવ- ડી વેકસીન પર કામ ચાલી રહ્યું છે.હાલ આ વેક્સીનની તૈયારીઓ પર નજર નાખવા ખુદ વડાપ્રધાન અમદાવાદ આવ્યા છે.
અમદાવાદ પધારેલા વડાપ્રધાનના સ્વાગત સત્કાર માટે પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગ ના અધિક મુખ્ય સચિવ કમલ દયાની અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.


ઝાયડસ બાયોટેક પાર્કના પ્લાન્ટમાં વૅક્સિનનું યુનિટ તૈયાર થઈ રહ્યું છે
દેશમાં કોરોના વાયરસના હાહાકારની વચ્ચે વૅક્સિનની તૈયારીઓને કારણે હાશકારો પણ છે. આ પ્લાન્ટ પર કોરોના વૅક્સિનનું યુનિટ તૈયાર થઈ રહ્યું છે. વૅક્સિનની ટ્રાયલના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ અહીં યુદ્ધના ધોરણે કોરોનાની રસીનું ઉત્પાદન કરવામાં આવશે. હાલમાં સોલા સિવિલ ખાતે વૅક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં વોલન્ટિયર્સ ટ્રાયલ માટે આવી રહ્યાં છે.

પીએમ મોદીના પ્રવાસ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ચાંગોદર હેલિપેડથી ઝાયડસ બાયોટેક પાર્ક સુધી તમામ રસ્તા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ બંદોબસ્તમાં 500થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહેશે. જેમાં 4 SP, 10 DYsp, 12 PI, 40 PSI સહિત BDDS અને LCB,SOG ની ટીમ પણ વડાપ્રધાનના બંદોબસ્ત માં ખડેપગે રહેશે.