Thu. Mar 4th, 2021
             

પોલીસ અધિકારી તરીકે ક્યારે કાયદાનો અને ક્યારે હ્રદયની સૂચનાનો અમલ કરવાનો તે કઠીણ કામ હોય છે, 2014માં આમદાવાદમાં આસીસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકાયેલા મંજીતા વણઝારા માટે આવું જ કઈક મુશ્કેલ આવ્યુ હતું. અમદાવાદમાં એફ ડીવીઝનમાં મુકાયેલા એસીપી મંજીતા વણઝારા પાસે કેટલાંક સ્થાનિકો ફરિયાદ લઈ આવ્યા  હતા, તેમની ફરિયાદ હતી કે અસારવા વિસ્તારમાં અમદાવાદના જાણિતા બુટલેગર અને ગેમ્લર કિશોર લંગડાનું મોટું જુગારધામ ચાલે છે. જેની સામે બોલવાની સ્થાનિકો તો હિંમત પણ કરતા નથી પણ  સ્થાનિક પોલીસ પણ કિશોર લંગડાના અડ્ડા તરફથી ફરકતી નથી.

મંજીતા વણઝારા હજી ફ્રેશ પોલીસ ઓફિસર હતા અને અમદાવાદની ક્રાઈમ હિસ્ટ્રીથી પણ અજાણ હતા, પણ તેમને એટલુ સમજાઈ ગયું કે કોઈ પણ ગુનેગાર પોલીસની મદદ વગર મોટો થતો નથી, મંજીતા વણઝારાએ કિશોર લંગડાને નાથવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેમણે આ મામલે સ્થાનિક પોલીસને કામ સોંપવાને બદલે પોતે જ રેડ કરવાનો નિર્ણય કર્યો, અસારવા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર તેઓ રેડ કરવા પહોંચ્યા ત્યારે કિશોર લંગડાનો વકિલ સરકારી કાગળ લઈ આવ્યો પહોંચ્યો, તેણે દલીલ કરતા કહ્યું કે કિશોર પાસે કલબ ચલાવવાનું લાઈસન્સ છે તમે રેડ કરી શકો નહીં, કિશોરને ત્યાં નામી પોલીસ અધિકારીઓ પણ રેડ કરવા આવતા ન્હોતા ત્યારે એક મહિલા પોલીસ અધિકારી જેમણે હજી પોલીસમાં પા પા પગલી માંડી હતી તેમણે કિશોરને ત્યાં રેડ કરવાની હિંમત કરી હતી.

કિશોર લંગડાના વકિલને સરકારી ભાષા સમજાવતા મંજીતા વણઝારાએ કહ્યું કાયદાની આડમાં અહિંયા જે ચાલી રહ્યું છે તેની મને ખબર છે મને મારૂં કામ કરવા દો નહીંતર તમે પણ આ કેસમાં આરોપી બનશો, કિશોર લંગડાને ત્યાં રેડ કરી 238 જુગારીઓને ઝડપી લીધા હતા. આટલા આરોપીઓને પોલીસ સ્ટેશન લઈ જવા પોલીસવાન પણ નાની પડી રહી જેના કારણે ઓપન ટ્રકમાં આરોપી લઈ ગયા હતા, આમ એસીપી મંજીતા વણઝારા અને બુટલેગર કિશોર લંગડા વચ્ચે આ પહેલો ટકરાવવ હતો, કિશોર માની રહ્યો હતો કે નવો અધિકારી પહેલા આવું જ કરે પણ પછી બધું ગોઠવાઈ જતું હોય છે અહીં પણ તેવું જ થશે પણ તેવું થયું નહીં. કિશોરનો પોલીસમાં દબદબો હોવા છતાં કિશોરના દારૂના અડ્ડાઓ ઉપર એક પછી એક રેડ થવા લાગી.

મંજીતા વણઝારાએ ચેતવણી આપી હતી કે હું જયાં સુધી આ વિસ્તારમાં છું તારો કોઈ બે નંબરનો ધંધો ચાલવા દઈશ નહીં કાયદાની છટકબારી-પૈસા અને વગનો ઉપયોગ કરતો કિશોર હજી પોતાની તાકાત ઉપર મુસ્તાક હતો, પણ મંજીતા વણઝારાએ પણ તેને થકવી દેવાનું નક્કી કર્યું હતું, કિશોરને ત્યાં દરેક વખતે ખુદ મંજીતા વણઝારા જ રેડ કરતા હતા અને તપાસ પણ પોતે જ કરતા હતા, ચાર વર્ષના ગાળામાં કિશોર સામે કુલ 17 ફરિયાદ નોંધાઈ ચુકી હતી. આમ કિશોર ચારે તરફથી ભીંસમાં આવી રહ્યો હતો. આ દરમિયાન કિશોરના દિકરાનું લગ્ન હતું, બીજા દિવસના અખબારમાં સમાચાર હતા કે કિશોર લંગડાના દિકરામાં પોલીસ જાનૈયા બની નાચી.

આ સમાચાર વાંચતા મંજીતા વણઝારાને આધાત લાગ્યો, એક તરફ તેઓ કિશોરની તાકાત તોડી રહ્યા છે બીજી તરફ ખુદ પોલીસ તેના લગ્નમાં નાચી રહી છે. જો કે આ સમાચારની ખરાઈ કરવી જરૂરી હતી. મંજીતા વણઝારાએ ખાનગી રીતે લગ્નની સીડી મંગાવી આખી રાત જોઈ, તેમણે જાનમાં નાચી રહેલા લોકો પૈકી 22 પોલીસવાળાને ઓળખી કાઢયા આ ઉપરાંત કિશોરની પત્ની અને પરિવારના સભ્યો લગ્નમાં હવામાં ગોળીબાર કરતા પણ જોવા મળ્યા હતા. મંજીતા વણઝારાએ આ મામલે ડીજીપી શીવાનંદ ઝાનું ધ્યાન દોર્યું અને કિશોર, તેની પત્ની અને પરિવાર સામે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી. જ્યારે જાનમાં નાચવા ગયેલા 22 પોલીસવાળાને સસ્પેન્ડ કરી તેમની બદલી અમદાવાદ બહાર કરાવી દીધી હતી.

આમ એક પોલીસ અધિકારી કાયદોનો યોગ્ય ઉપર સતત કરતો રહેતો શું થાય તેનું મંજીતા વણઝારાએ કિશોર લંગડાને ભાન કરાવી દીધુ હતું, આખરે કિશોરે પોતાનો બે નંબરના તમામ ધંધા બંધ કરવાનો નિર્ણય કરવો પડયો હતો, આમ મંજીતા વણઝારાને કિશોરના તમામ બે નંબરી ધંધા નેસ્તનાબુદ કરવામાં સફળતા મળી હતી, પણ 2017માં મંજીતા વણઝારાને મહેસાણા બદલી થતા કિશોરના માણસોએ ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. આમ છતાં હવે મંજીતા વણઝારા અમદાવાદમાં નથી પણ કિશોર પોતાનો જુનો ધંધો શરૂ કરવાનું વિચારી શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *