કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન પર નજર રાખતા દિલ્હીને જોડતી કેટલીક નાની-મોટી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે અને કેટલીક બોર્ડર આવન-જાવન સીમિત કરી દેવામાં આવ્યું છે. સરકાર સાથે ગઇકાલે ચોથા તબક્કાની વાર્તા કોઇપણ પરિણામ વગર પુરી થતાં દિલ્હીની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
જેને લઇને નેશનલ હાઇવ 24 પર ગાઝીપુર બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. ગાઝિયાબાદથી દિલ્હી આવનાર ટ્રાફિકને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવ્યો છે. દિલ્હી આવનારા લોકોને અપ્સરા બોર્ડર પરથી જવા માટે સુચના આપવામાં આવી છે. ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખતા સિંધુ, લામપુર, ઔચંદી, સાફિયાબાદ, પિયાઓ મનિયારી અને સબોલી બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. નેશનલ હાઇવે 44 પર બંને તરફથી આવન-જાવન બંધ છે.
NIA અનુસાર ટિકરી અને ઝરોંદા બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. ઝટીકાર અને બદોસરાય બોર્ડર માત્ર ટુ વ્હીલર અને નાના વાહનો માટે ખુલ્લી રાખવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ ખેડૂત આંદોલનના કારણે મુકરબા ચોકથી સિંધુ બોર્ડર સુધી બસોનું આવનજાવન બંધ હોવાના કારણે અંદાજે 20 કિલોમીટરના ક્ષેત્રફળમાં આખો દિવસ અફરા-તફરીનો માહાલ જોવા મળ્યો.