- કોરોનાની વેક્સિન માટે વોલન્ટિયર બનવા રોજ ૨૦૦ લોકો કરે છે કોલ
- હજુ વધુ સંખ્યામાં લોકો ટ્રાયલ વેક્સિન માટે આગળ આવે:ડો.પારુલ ભટ્ટ
- એક અઠવાડિયામાં હોસ્પિટલના 25 હેલ્થ કેર વર્કર મળીને 100 વોલન્ટિયર્સે વેક્સિન લીધી
- ટ્રાયલ વેક્સિનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સોલા સિવિલની કમિટીએ વધુ 3 રૂમ અને બે બેડની વ્યવસ્થા કરી
સોલા સિવિલમાં એક અઠવાડિયામાં હોસ્પિટલના હેલ્થ કેર વર્કર સહિત 100થી વધુ વોલન્ટિયર્સે કોવિડ માટેની ટ્રાયલ વેક્સિન ‘કોવેક્સિન’લીધી હતી. તેમજ વેક્સિન લેવા માટે દરરોજ 150થી વધુ પૂછપરછ થતી હોવાથી એકસાથે 70 વોલન્ટિયર્સનું કાઉન્સિલિંગ અને બે વોલન્ટિયર્સને એક સાથે વેક્સિન આપી વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે વેક્સિન કમિટી દ્વારા વધુ 3 રૂમ અને બેડની વ્યવસ્થા કરાઇ છે.
ટ્રાયલ વેક્સિન કમિટીના પ્રિન્સિપલ ઇનવેસ્ટીગેટર ડો.પારુલ ભટ્ટ જણાવે છે કે, વેક્સિન લેવા માટે લોકો પરિવાર અને મિત્રો સાથે આવી રહ્યાં છે. ગત ગુરુવારથી લઇને એક અઠવાડિયામાં હોસ્પિટલના 25 હેલ્થ કેર વર્કર મળીને 100 વોલન્ટિયર્સે વેક્સિન લીધી છે, જેમાંથી એકપણ વોલન્ટિયર્સને આડઅસર થઇ નથી. હાલમાં દરરોજ 150થી વધુ લોકો વેક્સિનની માહિતી માટે હોસ્પિટલમાં આવીને તેમજ ફોન પર પૂછપરછ કરે છે.
સતત વધતાં જતાં વોલન્ટિયર્સની સંખ્યાને ધ્યાનમાં રાખીને એક સાથે વધુ લોકોનું કાઉન્સિલિંગ થઇ શકે તે માટે 3 રૂમ સહિત એક સાથે બે વોલન્ટિયર્સને વેક્સિન મૂકી શકાય તેવી વ્યવસ્થા કરી છે. વેક્સિન લેવા ઇચ્છતાં લોકો સંપૂર્ણ માહિતી મોબાઇલ નંબર 91045 53267 પરથી મેળવી શકે છે. મારી અપીલ છે કે, હજુ વધુ સંખ્યામાં લોકો ટ્રાયલ વેક્સિન માટે આગળ આવે, જેથી ઝડપથી 1 હજાર વેક્સિનનો ટાર્ગેટ પૂરો થઇ શકે.