Sat. Mar 6th, 2021
             

સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની ગુમ થયેલી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ પોલીસને થતા જ પોલીસે તપાસ હાથ ધરતા આરોપીને સીસીટીવીની મદદથી ઝડપી પાડ્યો હતો. કડક પૂછપરછમાં તેને જ બાળકીની હત્યા કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પાંડેસરાના ભેદવાડમાં પ્રેમનગરમાં રહેતા પરિવારની 10 વર્ષીય બાળકી સોમવાર બપોરે ગુમ થઇ હતી. દિકરીના પરિવાર અને અન્ય લોકોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેની રાત્રિ સુધી કોઇ માહિતી મળી હતી. તે બાદ પરિવારજનો પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. પોલીસે બાળકીને શોધવા માટે સીસીટીવી કેમેરાની મદદ લીધી હતી, જેમાં બાળકી કોઇ વ્યક્તિ સાથે જતી જોવા મળી હતી. આ અંગે તપાસ કરતા બાળકી સાથે દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફે ડિંગ્યા બૈસાણે હોવાનું જાણવા મળ્યુ હતું.

ભેદવાડ દરગાહ પાસે નાસ્તાની દુકાનના સીસીટીવી કેમેરામાં દિનેશ બાળકીને બપોરે 2.56 મિનિટે નાસ્તો અપાવવા સાથે લઇ ગયો હતો. જે પોતે પણ પ્રેમનગરમાં જ રહે છે. લોકોને આ અંગે જાણ થતા જ તેમણે દિનેશને પકડીને પોલીસને સોપ્યો હતો. દિનેશની પોલીસે કડક પૂછપરછ કરતા તેણે બાળકીની હત્યા કર્યાની કબુલાત કરી હતી. આનંદ નામનો યુવક પણ તેની સાથે ઘટનાને અંજામ આપ્યો હોવાનું તેને જણાવ્યુ હતું. પોલીસે બાળકીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. બાળકી સાથે દુષ્કર્મ થયુ છે કે નહી તે મેડિકલ રિપોર્ટ બાદ જ ખબર પડશે.