સુરતના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિ પાલ આરટીની સામે આવેલા નવા બનેલા સંકુલના 11મા માળેથી કૂદીને મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મરતા પહેલા ઉદ્યોગપતિએ તેની પોતાની તસવીર પર ઓમ શાંતિ અને રેસ્ટ ઓફ પીસ લખીને મિત્રને મોકલી હતી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી નીકળી ગયા બાદ તેની શોધખોળ કરતા મિત્રોને લાશ મળી હતી.
11મા માળેથી કૂદીને મોતને વ્હાલું કરનાર યુવક સુરતના અડાજણ વિસ્તારમાં કલાપી રેસીડેન્સીમાં પારસ શ્યામ ખન્ના(ઉ.વ.33) પરિવાર સાથે રહેતો હતો. પત્નીના ચારિત્ર પર શંકાને લઈ થતા ઝઘડા પારસને આપઘાત સુધી ખેંચી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે જણાવ્યું કે, સોમવારે રાત્રે પારસની પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે ઘરની બહાર નીકળી ગયો. તપાસ મુજબ તે તેની પત્નીના પાત્ર પર શંકા કરતો હતો, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પહેલા પારસ એ પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતા.
તસવીર સાથે અહેવાલ મોહમ્મદ એજાજ શેખં સુરત