ઉત્તર ભારતમાં આજે પણ કાતિલ ઠંડી યથાવત રહેતા સામાન્ય જનજીવન મુશ્કેલ બની ગયું હતું. જમ્મુ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધુમ્મસને કારણે દ્રશ્યતાનું પ્રમાણ ઘટી જવાને કારણે અન્ય ફલાઇટો કેન્સલ કરવાની ફરજ પડી હતી. માઉન્ટ આબુ માઇનસ ૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે આજે પણ થીજી ગયું હતું. ગુરુ શિખરમાં ઠેર ઠેર બરફના થર જામી ગયા હતાં.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ આજે ધુમ્મસનું પ્રમાણ વધારે રહ્યું હતું. પાલમ વિસ્તારમાં ધુમ્મસને કારણે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ માત્ર ૫૦ મીટર જ હતું. જો કે સવારે ૯ વાગ્યે આ પ્રમાણ વધીને ૪૦૦ મીટર થયું હતું.