Sat. Mar 6th, 2021
             

ગુજરાત રાજ્યમાં રોજ બરોજ એક પછી એક અકસ્માતની ઘટનાઓ ઘટતી સામે આવી રહી છે. ત્યારે વલસાડના RPF ગ્રાઉન્ડ નજીક એક એસ.ટી બસે એક બાઇકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ બાઇક પર જઇ રહેલ દંપતિનું મોત નિપજ્યું હતું. જેથી આસપાસના લોકોએ તુરંત આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મહત્વનું છે કે, આ અકસ્માત બાદ રસ્તા પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાઇ ગયો હતો અને લોકોના ટોળેટોળાં પણ થઇ ગયા હતાં. જેથી પોલીસે ટોળાંને ખસેડી ટ્રાફિક જામ દૂર કર્યો હતો. ઉપરાંત મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઇ હતી.

સમગ્ર ઘટના એવી છે કે, 55 વર્ષના એક ધીરુભાઇ શુક્કરભાઈ ટંડેલ પોતાના પત્ની સાથે RPF ગ્રાઉન્ડ પાસેથી ( GJ 15, AF 6406) બાઇક લઈને પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે જે સમયે તેઓ ધરમપુર રોડ પર જઈ રહ્યાં હતાં એ જ સમયે વલસાડ કપરાડા રૂટની એસ.ટી વિભાગની લોકલ બસ (GJ 18, Z 2610) એ બસને બાજુની સાઇડમાં લેવા જતાં બાઇક પર જઈ રહેલું દંપતી બસની પાછળના વ્હીલમાં આવી ગયું. જેથી તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે બસ ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ પહેલાં મહીસાગરમાં પણ મોડી રાત્રે ખલાસપુર ગામ નજીક એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સહિત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અશોક ટ્રાવેલ્સની બસ સાથે મામલતદાર રાકેશ ડામોરની કારનો સામસામે અકસ્માત થયો હતો. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *