બ્રિટનમાં વેક્સિનેશનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લેતો.નવા સ્ટ્રેનના વધતા સંકટ વચ્ચે ફરી વાર લોકડાઉનનું એલાન કર્યું છે. બોરિસ જોનસને કહ્યું કે, કોરોના સામે લડવા માટે ઓછામાં ઓછા ફેબ્રુઆરી સુધી નવું નેશનલ લોકડાઉન લગાડાયું છે. જેથી નવા સ્ટ્રેનને રોકી શકાય. માનવામાં આવે છે કે, બ્રિટનમાં કોરોનાના કારણે મોતનો આંક એક લાખ સુધી પહોંચતો રોકવા માટે સરકારે આ અભિયાન હાથમાં લીધું છે. અત્યાર સુધી મહામારીમાં 75 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. 22 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધોમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.
તે ઉપરાંત જોનસન સરકારે ફેબ્રુઆરી મધ્ય સુધીમાં સ્કૂલો પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે જ રહે. દિવસમાં એક વાર એક્સરસાઈઝ કરે. 4 જાન્યુઆરીથી રાતે બિનજરૂરી દુકાનો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં 4 જાન્યુઆરીએ નવા સ્ટ્રેનનો એક કેસ નોંધાયો છે. ગર્વનર એન્ડ્ર્યૂ ક્યુમોએ આ વાતનો ખુલાસો કર્યો છે. આ પહેલાં કોલોરાડો અને કેલિફોર્નિામાં પણ એક સ્ટ્રેનનો નવો કેસ નોંધાયો છે. દુનિયામાં કોરોનાના અત્યાર સુધી 8 કરોડ 61 લાખ 2 હજાર 71 કેસ નોંધાયા છે. 18 લાખ 60 હજાર 427 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે, 6 કરોડ 10 લાખ 54 હજાર 370 લોકો સાજા થયા છે.