ન્યૂ યોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતે અસ્થાયી સભ્ય તરીકે આઠમી વાર પોતાનો કાર્યભાર શરૂ કરવાની સાથે ભારતીય તિરંગો ઝંડો લગાવવામાં આવ્યો. ભારત સંયુક્ત રાષ્ટ્રની આ શક્તિશાળી પરષિદમાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરી રહ્યો છે. 2021માં 4 જાન્યુઆરી ઓફિશિયલ રીતે પહેલો કાર્ય દિવસ રહ્યો. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ તિરંગો ફરકાવ્યા બાદ કહ્યું કે સ્થાયી પ્રતિનિધિ તરીકે ધ્વજારોહાણ સમારોહમાં ભાગ લેવો મારા માટે સન્માનની વાત છે.

તિરુમૂર્તિએ કહ્યું કે, અમે અમારા કાર્યકાળનો ઉપયોગ માનવ કેન્દ્રીત અને સમાવેશી ઉકેલ માટે કરીશું જેથી આંતરરાષ્ટ્રીય સ્તર પર શાંતિ અને સુરક્ષા કાયમ રહે. ભારત વિકાસશીલ દેશોનો અવાજ બનશે. માનવતાના દુશ્મના આતંકવાદની વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આપણે પાછળ નહીં હટીએ. ધ્વજારોહણ સમારોહને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે, શાંતિ કાયમ રાખવી, શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરવા, સમુદ્રી સુરક્ષા, મહિલા અને યુવા ખાસ કરીને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં અને માનવીય મૂલ્યો પર આધારિત ટેકનીકના મુદ્દા પર પરષિદના સભ્યોના રૂપમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે.
