કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી સૌથી મોટી રાહત મળી છે. નવા સંસદ ભવનના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથેના વાંધાઓ અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે નિર્ણય આપ્યો. કોર્ટે નવા સંસદ ભવનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. અદાલતે કહ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પર્યાવરણ મંજૂરી યોગ્ય રીતે અપાઈ હતી. આ સાથે એમ પણ કહ્યું કે કન્સ્ટ્રક્શન શરૂ કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી પણ લેવામાં આવે.

સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાનું એલાન સપ્ટેમ્બર, 2019માં થયું હતું. તેમાં સંસદની નવી ત્રિકોણીય ઈમારત હશે જેમાં એક સાથે લોકસભા અને રાજ્યસભાના 900થી 1200 સાંસદો બેસી શકશે. તેનું નિર્માણ 75મા સ્વતંત્રતા દિવસ પર ઓગસ્ટ 2022 સુધીમાં પુરું કરી લેવાશે. જ્યારે કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ 2024 સુધી પૂરું કરવાની તૈયારી છે.
જસ્ટિસ એએમ ખાનવિલ્કર, દિનેશ મહેશ્વરી અને સંજીવ ખન્નાની બેંચ આ મામલે પોતાનો નિર્ણય આપશે. આ નિર્ણય અદાલતે ગત વર્ષે પાંચ નવેમ્બરે જ સુરક્ષિત રાખ્યો હતો. જો કે ગત વર્ષે 7 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના અનુરોધ પછી કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભૂમિ પૂજનની અનુમતિ આપી હતી. કેન્દ્ર સરકારે એ માટે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે તે પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય આવે ત્યાં સુધી કોઈ બાંધકામ, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ નહીં કરે. તેના પછી 10 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.
