ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. 16 મહિના બાદ ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગઈ વખતે રચાયેલાં પ્રદેશ માળખાની ત્રણ વર્ષની ટર્મ પૂરી થઈ છતાં તેમની મુદ્દત વધારાઈ હતી. સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકે શપથ લીધાને 170 દિવસ બાદ આ નવી ટીમ બની છે. આ નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશ મંત્રી તથા એક ખજાનચી અને એક સહ ખજાનચીની નિમણૂંક કરવામાં આવી છે. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. ગઈ વખતના માળખામાં 8 પ્રદેશ ઉપાધ્યક્ષ હતા જ્યારે નવ મંત્રી હતા તેને સ્થાને આ માળખામાં સાત ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી રાખવામાં આવ્યાં છે.
ગઈ વખતની પ્રદેશ પ્રમુખની 21 સભ્યોની ટીમમાંથી 17 નેતાઓને કાપવામાં આવ્યાં છે, જ્યારે બે નેતાઓ જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તથા પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાને મહામંત્રી પદે પ્રમોશન મળ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાના જૂથના પચાસ ટકા લોકોને આ સંગઠનમાં રાખ્યાં છે. કુલ વીસમાંથી નવ નેતાઓ એવાં છે કે જે પાટીલની કોર ટીમમાં ગણાય છે. જ્યારે સંઘના નેતાઓને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. સંઘ સાથે સીધો સંબંધ ધરાવતા ભીખુભાઇ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાય છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તથા મંત્રી પદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રખાયા છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા ગુજરાત ભાજપના ઈતિહાસમાં પ્રથમવાર મહામંત્રી પદે આવનારા દલિત નેતા બન્યા છે.