રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી.
હાઈકોર્ટે આદેશ કર્યો કે, પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નથી. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે. પતંગ વેપાર 2020માં 600 કરોડથી પણ વધુનો હતો. 1 લાખ 25 હજાર પરિવારો આ તહેવાર પર નભે છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી. સરકારને આદેશ કરવામાં આવે છે કે માર્ગદર્શિકાની જાહેરાત કરે. 13માંથી ચોથા મુદ્દા પર સુધારો કરવામાં આવે. એપાર્ટમેન્ટ અને સોસાયટીના સેક્રેટરી સામે નિયમોનો ભંગ થવા પર કાયદેસરના પગલાં લેવામાં આવશે.
અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી, કોરોના ન ફેલાય તે માટે તકેદારી જરૂરીઃહાઈકોર્ટ
હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.
સરકારે રજૂ કરેલી માર્ગદર્શિકાને આ 8 પોઈન્ટમાં સમજો
- ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં.
- પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં.
- ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં.
- જો નિયમોનું ઉલ્લંઘન થયું તો ચેરમેન-સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
- રાયપુર ટંકશાળ અને નરોડા જેવા પતંગ બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
- ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ.
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.
- કોઈપણ સોસાયટીના ધાબે બહારના વ્યક્તિઓને પ્રવેશ પર રોક લગાવવામાં આવશે.