ભારત (India) અને ચીન (China) વચ્ચે સરહદ પર તણાવ ચાલુ છે. આ દરમિયાન ભારતીય સૈન્યએ લદાખ (Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે પેન્ગૉંગ વિસ્તારમાંથી ચીનના એક સૈનિક (Chines Soldier)ની ધરપકડ કરી છે. આ સૈનિક ભારતીય વિસ્તારમાં ફરી રહ્યો હતો. સૈનિક ભારતીય સરહદની અંદર કેવી રીતે પહોંચી ગયો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ભારતીય જવાનો (Indian Army) તેની પૂછપરછ કરી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ સૈનિક સવારે ભારતીય સરહદની અંદર જોવા મળ્યો હતો.
ઈન્ડિયન આર્મીના જણાવ્યા પ્રમાણે 8 જાન્યુઆરી શુક્રવારે ચીનના એક સૈનિકે ભારતીય સીમમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના પેંગોન્ગ ત્સો લેકના દક્ષિણ વિસ્તારની છે. પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ના આ સૈનિકને ભારતીય વિસ્તારમાં તહેનાત સૈનિકે જોઈ લીધો હતો. સેનાના જણાવ્યા પ્રમાણે LACની બંને બાજુ ભારત અને ચીનના સૈનિકો તહેનાત હતા. ગયા વર્ષે 15 જૂને થયેલી હિંસક ઝપાઝપી પછી બંને દેશોએ અહીં સૈન્ય વધારી દીધું છે. હવે એ તપાસ કરવામાં આવી રહી છે કે, કઈ સ્થિતિમાં આ સૈનિકે ભારતીય સીમમાં ઘૂસણખોરી કરી છે.