ભારતે છેલ્લાં સાત મહિનામાં આશરે ૩૩,૦૦૦ ટન કોવિડ-૧૯ બાયોમેડિકલ વેસ્ટનું ઉત્સર્જન કર્યું છે. જેમાં મહારાષ્ટ્રનો ફાળો સૌથી વધુ ૩,૫૮૭ ટન રહ્યું હતું તેમ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આંકડામાં જણાવાયું છે. ઓક્ટોબરમાં અત્યારસુધીમાં એક મહિનામાં સૌથી વધુ ૫,૫૦૦ ટનથી વધુ કોરોના વેસ્ટનું ઉત્સર્જન થયું હતું.
રાજ્ય પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ્સમાંથી મળેલા ડેટા મુજબ ૨૦૨૦ જૂનથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ૩૨,૯૯૪ ટન કોરોના સંબંધિત બાયોમેડિકલ વેસ્ટનું ઉત્સર્જન કર્યું હતું. હાલમાં આ વેસ્ટ એકત્ર કરાઇ રહી છે, તેનું સંચાલન થઇ રહ્યું છે અને 198 જેટલા સામાન્ય બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ દ્વારા તેનો નિકાલ થાય છે.
કોવિડ-૧૯ બાયોમેડિકલ વેસ્ટમાં પીપીઆઇ કિટ્સ, માસ્ક્સ, શૂ કવર્સ, ગ્લવ્સ, હ્યુમન ટિસ્યુઝ, ડ્રેસિંગ્સમાં વપરાતી વસ્તુઓ, પ્લાસ્ટર કાસ્ટ્સ, કોટન સ્વેબ્સ, નીડલ્સ, સીરિન્જ્સ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી ડિસેમ્બરમાં માત્ર ૪૭૯ ટન કચરો એકત્ર થયો છે. દિલ્હીમાં ૩૨૧ ટન કોરોના બાયોમેડિકલ વેસ્ટ ડિસેમ્બરમાં ભેગી થઇ છે. નવેમ્બરમાં ગુજરાતમાં ૩૮૫ ટન બાયોમેડિકલ વેસ્ટ ભેગી થઇ હતી.