(પીટીઆઇ) પેશાવર, તા. 10 જાન્યુઆરી, 2021, રવિવાર

પાકિસ્તાનની ત્રાસવાદવિરોધી કોર્ટે અહીનાં ખાયબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઉદ્દામવાદી ઇસ્લામિસ્ટ પક્ષના સભ્યોના નેતૃત્વમાં ગયા સપ્તાહે એક હિંદુ મંદિરની કરાયેલી તોડફોડ બદલ મુખ્ય આરોપી સહિત પંચાવન ઇસમોને નવ દિવસની જેલની સજા કરી છે. કોર્ટે ટોળાને ઉશ્કેરનાર મૌલવી શરીફ સહિત અન્ય 56 આરોપીઓને પણ જેલની સજા ફટકારી છે.
અહીંના હિંદુ નાગરિકોએ ગયા સપ્તાહે મંદિરની દાયકાઓ જૂની ઇમારતના જીર્ણોધ્ધાર માટે સ્થાનિક સત્તાવાળાઓ પાસે પરવાનગી મેળવતા ખાયબર પખ્તુનખ્વાના કારક જિલ્લાના તેર્રિ ગામે આવેલા મંદિર પર તોફાનીઓએ હલ્લો કર્યો. ઝનૂનીઓએ મંદિરના જૂના માળખાની સાથે નવું બાંધકામ તોડી પાડયું.
પોલીસે શુક્રવારે જણાવ્યું ક બનાવના મુખ્ય આરોપી ફૈઝુલ્લાહને કારક જિલ્લામાંથી ઝડપી લેવાયો, જેની ઉશ્કેરણીથી મંદિરમાં આવેલી એક ધાર્મિક અગ્રણીની સમાધિને પણ નુકસાન પહોચાડાયું. માનવાધિકાર કાર્યકરો અને લઘુમતી હિંદુનેતાઓએ મંદિરની તોડફોડના બનાવની ભારે ટીકા કરી છે.પોલીસે ઘટનામાં સંડોવાયેલા 350 જણ સામે ફરિયાદ નોંધી છે.
સુપ્રીમ કોર્ટે દેશના ઇવેક્યુઇ પ્રોપર્ટી ટ્રસ્ટ બોર્ડને નુકસાનગ્રસ્ત મંદિરનું બાંધકામ પુન: શરૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્ષોભપૂર્ણ પરિસ્થિતિમાં ધકેલી દેનાર તોડફોડની ઘટનામાં સંડોવાયેલા લોકો પાસે મંદિરના નુકસાનગ્રસ્ત ભાગને દુરસ્ત કરવાનો ખર્ચ વસૂલવો.પાકિસ્તાનમાં વસતા 75 થી 90 લાખ જેટલા હિંદુઓ પાકિસ્તાનની સૌથી મોટી લઘુમતી છે.
