દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થવા જઈ રહ્યો છે. કોરોના વેક્સિનની પ્રથમ ખેપ આજે સવારે (મંગળવાર) પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટથી રવાના થઈ ગઈ. જે ટ્રકોમાં એને લઈ જવાઈ એમાં ટેમ્પરેચર ત્રણ ડીગ્રી રાખવામાં આવ્યું. અહીંથી વેક્સિનનાં 478 બોક્સ દેશનાં 13 શહેરમાં પહોંચાડવામાં આવશે. દરેક બોક્સનું વજન 32 કિલો છે. વેક્સિનથી ભરેલી ટ્રકોને રવાના કરતાં પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા કરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં દિલ્હી, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, કરનાલ, હૈદરાબાદ, વિજયવાડા, ગુવાહાટી, લખનઉ, ચંડીગઢ અને ભુવનેશ્વરમાં હવાઈ માર્ગેથી વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે. મુંબઈમાં સીધા જ ટ્રક દ્વારા વેક્સિન મોકલવામાં આવશે. કોરોના વેક્સિનની પ્રથમ ખેપ સૌથી પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટથી ગુજરાત મોકલવામાં આવી રહી છે. ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે સોમવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમના રાજ્યમાં વેક્સિનની પ્રથમ ખેપ સવારે પોણા અગિયાર વાગ્યે પહોંચશે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર વેક્સિનની ડિલિવરી થશે.