અમદાવાદ શહેરમાં નાની બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ ફરી વધવા લાગી છે. નજીકના સંબંધી અને મિત્ર વર્તુળના લોકોમાંથી જ નરાધમો સામે આવે છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષીય સગીરા અને તેની બહેન એકલી હતી, ત્યારે નાની બહેનને બહાર મોકલી યુવકે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માતાપિતા ઘરે આવતા સગીરાએ તેમને જાણ કરી હતી. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતો પરિવાર શાકભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. પરિવારમાં 15 અને 5 વર્ષની બે નાની દીકરીઓ અને એક દીકરો છે. વસ્ત્રાલ ખાતે રહેતો અને અમરાઇવાડી ન્યુ કોટન મિલ ખાતે કામ કરતો નીરજ વર્મા નામનો યુવક તેમના ત્યાં બટાકા-ડુંગળી લેવા અવારનવાર આવતો હતો. સવારના સુમારે માતા-પિતા દીકરાને લઈ બટાકા ડુંગળી લેવા ગયા હતા અને બંને બહેનો ઘરે એકલી હતી. દરમ્યાનમાં નીરજ વર્મા ઘરે આવ્યો હતો. નાની છોકરીને 10 રૂપિયા નું પડીકું લેવા બહાર મોકલી હતી. બાદમાં સગીરાનો હાથ પકડી તેના ગાલ પર કિસ કરી હતી બાદમાં શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. સગીરાએ ધક્કો મારવા છતાં બળજબરીપૂર્વક સગીરાના કપડાં કાઢી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
