Sat. Mar 6th, 2021
             

અમદાવાદ શહેરમાં યુવાનોને ડ્રગ્સની લત લગાડી, તેમનું જીવન બરબાદ કરી નાખવા કેટલાક અસામાજિક તત્વો અને ગુંડાઓ ડ્રગ્સનો ધંધો આચરી રહ્યા છે. સોમવારે સાંજે અમદાવાદ શહેરના કારંજ વિસ્તારમાં જાન સાહેબની ગલીમાં MD ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી રૂ.1.70 લાખનું ડ્રગ્સ કબ્જે લઈ કારંજ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી જેમાં શાહઆલમનો મુજી મુખ્ય સપ્લાયર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કારંજ પોલીસ સ્ટેશનના PSI એમ.એ.ઠાકોર સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. તે સમયે સાંજે 5 વાગ્યે તેઓને બાતમી મળી કે, જાન સાહેબની ગલીમાં હોટલ બાલવાસની ગલીના નાકે એક શખ્સ MD ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમી આધારે PSI ઠાકોરે સ્ટાફના માણસો સાથે પંચોને જોડે રાખી આરોપીની તલાશી લેતા તેની પાસેથી રૂ. 1.70 લાખની મતાનો સફેદ પાવડર MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપીનું નામ પૂછતાં મોઈનખાન ઉર્ફ પાપા મુસ્તાકખાન પઠાણ (ઉં,30) (રહે, જાન સાહેબની ગલી, અહેમદ નાગોરી મસ્જિદ પાસે, કારંજ) હોવાની વિગત ખુલી હતી.

પોલીસ પૂછપરછમાં મોઈનખાન ઉર્ફ પાપાએ જણાવ્યું કે, તે MD ડ્રગ્સનું જથ્થો પીરકમલ ચાર રસ્તા શાહઆલમ ટોલનાકા પાસે રહેતા મુજી પાસેથી લાવ્યો હતો. પોલીસે આરોપી મોઈન ઉર્ફ પાપા અને મુજી વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુનો નોંધી ફરાર આરોપી મુજીની શોધખોળ હાથ ધરી છે. આરોપી મોઈનને કોવિડ રિપોર્ટ આવે ત્યાં સુધી પોલીસ નજર હેઠળ રાખવામાં આવ્યો છે.અગાઉ પણ CID ક્રાઈમે રેડ કરી કારંજ વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે ઝડપેલા આરોપીએ જથ્થો શાહઆલમ વિસ્તારમાં ઝરીનાબાનુના પુત્ર શાનુના સાળા પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી. આમ શાહઆલમ વિસ્તારમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો ઉતરતો હોવાની શંકા પોલીસને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *