*બનાસકાંઠા લુડો ગેમ રમવામાં 10 લાખનું દેવું થયું, 6 લોકોએ પઠાણી ઉઘરાણી કરતા યુવાને કર્યો આપઘાત*
લુડો ગેમના સટ્ટામાં રૂ.10 લાખનું દેવું થઇ ગયું હતુ. જેમાં 4 લાખ તો ચૂકવી દીધા હતા.
*આનંદ જયસ્વાલ, બનાસકાંઠા* બનાસકાંઠામાં લુડો ગેમ રમતાં રૂપિયા 10 લાખનું દેવું થઈ જતા એક યુવકે કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં નાણાંની કડક ઉઘરાણીથી ત્રાસી યુવકે આપઘાત કર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી ગઈકાલે એક યુવકની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને નગરપાલિકાની ટીમે તરવૈયા સુલતાન મીરની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તપાસ કરતા મૃતદેહની તલાસી લેતાં ખિસ્સામાંથી એક મોબાઈલ તેમજ 500ના દરની 7 નોટ મળી આવી હતી. તેમજ મૃતક ભાભરના અંબેશ્વર સોસાયટીમાં રહેતો 23 વર્ષીય યુવક પિયુષભાઈ અરવિંદભાઈ ઠક્કર હોવાનું જાણવા મળ્યું હતુ.
પોલીસે મૃતદેહ થરાદ રેફરલ હોસ્પિટલમાં પી. એમ. અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. જે દરમ્યાન મૃતક પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મૃતકના મોટાભાઇ સંજયભાઇ ઠક્કરે આક્ષેપો કરતાં જણાવ્યુ કે, શાકભાજી વેચીને મારો ભાઇ પરિવારને મદદ કરતો હતો. છેલ્લા અઢી મહિનાથી લુડો ગેમના સટ્ટામાં રૂ.10 લાખનું દેવું થઇ ગયું હતુ. જેમાં 4 લાખ તો ચૂકવી દીધા હતા. બાકીના નાણાં માટે ભાભરના 5 અને પાટણનો 1 શખ્સ મારા ભાઇ પાસે કડક ઉઘરાણી કરતાં હતા. જેમના ત્રાસના કારણે તેણે કેનાલમાં પડી આપઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે, તેના ભાઈની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી છે. જ્યાં સુધી આ શખ્સો સામે ગૂનો નહી નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વિકારવાની ચીમકી ઉચ્ચારી હતી