‘તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા’ સૂત્ર આપનાર ભારતના મહાન સુપુત સુભાષચંદ્ર બોઝ જ ગઈકાલે 23 જાન્યુઆરીએ 125મી જન્મ જયંતીએ અમદાવાદમાં તેમની એકમાત્ર પ્રતિમાને માળા અર્પણ માટે કોઈ જ વ્યવસ્થા કોર્પોરેશનના વહીવટી સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને દિવસને પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારે શહેરના ભાજપ આગેવાનો પુષ્પાંજલિ કરવા ફરક્યા પણ ન હતાં.
એટલું જ નહીં કોર્પોરેશનના અધિકારીઓએ એવું પરાક્રમ કર્યું કે, સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર પહેરવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સામાન્ય રીતે આ પ્રકારની વ્યવસ્થા દર વર્ષે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. પરંતુ ભાજપ અને તેમના માનીતા AMCના અધિકારીઓને સુભાષબાબૂ ગમતા ન હોય તેમ ફુલ મારા પહેરાવી ન શકે તે માટે સીડીની વ્યવસ્થા કરી ન હતી.
કોર્પોરેશનની આવી બેદરકારીને કારણે સુભાષબાબૂની પ્રાતિમાની નીચે માળા અર્પણ કરી નાગરીકોને સંતોષ માણવો પડ્યો હતો. જોકે કોંગ્રેસ દ્વારા કામચલાઉ સીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશનના અણધડ શાસકોએ એટલી ઊંચાઈ પર પ્રતિમા મૂકી છે કે સીડી દ્વારા પણ તેમને ફૂલ માળા અર્પણ કરી શકાય તેમ ન હોવાથી છેવટે વાંસળા વડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ સુભાષબાબૂની પ્રતિમાને ફૂલ માળા અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે અગ્રણી જ્યોર્જ ડાયસની સાથે જે.ડી. શીખ, મનીષ શંખેરીયા, યશ ચૌધરી સહીત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.