દેશના ઘણાં રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને ઉત્તરી રાજસ્થાન તથા દિલ્હી સહિત ઘણા ભાગોમાં શીત લહેર ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં 27 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે અને આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો આવી શકે છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 23 જાન્યુઆરીના રોજ ન્યૂનતમ તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે, તો બીજી તરફ રવિવારે સવારે 10.2℃ નોંધાયું છે.
ભારતીય હવામાન વિભાગના અનુસાર જમ્મૂ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડીઓમાં હિમવર્ષા થઈ રહી છે. જેના લીધે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આગામી 2-4 દિવસો સુધી તાપમાન 4 ડિગ્રી સુધી ગગડી શકે છે.
કેટલાક રાજ્યોમાં આગામી 48 કલાકમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે આગામી બે દિવસ દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જેથી વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કરી દીધા છે.