સુરતમાં ફરી દીપડા (leopard)એ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, સાથે જ તંત્ર પણ દોડતું થયું છે. સુરતના હજીરા વિસ્તારમાં સતત દેખા દીધા બાદ અચાનક ગાયબ થઈ ગયા બાદ દીપડો રવિવારે રાત્રિના સમયે અદાણી કંપનીમાં જોવા મળ્યો હતો. જોકે, થોડીવારમાં જ ત્યાંથી દીપડો ફરી નજીકના ગાઢ જંગલમાં ચાલ્યો ગયો હોવાનું જાણવા મળ્યુ છે. શિયાળાની શરૂઆત થતાની સાથે ખોરાકની શોધમાં દીપડા માનવવસ્તી તરફ નીકળી પડતા હોય છે. અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શહેરના છેવાડે દેખાતા દીપડા હવે શહેરી વિસ્તારમાં દેખાવા લાગ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી સુરતના હજીરા કે પછી દિવાળીના દિવસોમાં માંડવી-ઓલપાડ અને સુરતના હજીરા વિસ્તારમાં જોવા મળેલો દીપડો છેલ્લા બે મહિનાથી હજીરા, ઓલપાડના કાંઠા વિસ્તારના ગામોમાં ફરી રહ્યો છે. જેમાં છેલ્લે હજીરાની સ્ટીલ કંપનીમાં જોવા મળેલો દીપડો 48 કલાકથી ગાયબ થયા બાદ રવિવારની રાત્રિના ફરીથી હજીરા વિસ્તારમાં જોવા મળ્યો હતો. રવિવારની રાત્રિના 10-30 વાગ્યાના અરસમાં અદાણી પોર્ટની આજુબાજુના વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો હતો. જોકે, થોડીવારમાં જ ત્યાંથી ગાયબ થઇ ગયો હતો.