Mon. Mar 8th, 2021
             

ઇઝરાઇલ દૂતાવાસ બ્લાસ્ટના તાર ઇરાન સુધી પહોંચ્યા

રાજધાની દિલ્હીમાં શુક્રવારે ઇઝરાઇલ દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટોની તપાસ જોરશોરથી ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ તે એક નજીવો વિસ્ફોટ હતો જેમાં ત્યાં પાર્ક કરેલી ત્રણ કારના કાચ તૂટી ગયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી તે સૌથી મોટી રાહતની વાત છે. આ સાથે જ દિલ્હી પોલીસને સ્થળ પરથી એક પરબિડીયું મળી આવ્યું છે. આ પત્ર ઇઝરાઇલી દૂતાવાસના નામે છે. એવું લખ્યું છે કે આ ફક્ત એક ટ્રેલર છે, આગળ વધુ હુમલાઓ થઈ શકે છે.

એક અંગ્રેજી અખબાર અનુસાર સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે આ ધમકીભર્યા પત્રમાં ઈરાનની કુદ્સ ફોર્સના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું નામ લખાયું છે. ઉલ્લેખનીય છે કે સુલેમાની ઈરાનના સૌથી શક્તિશાળી કમાન્ડર હતાં. ગયા વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ એક ડ્રોન હુમલામાં બગદાદમાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્રમાં સુલેમાની ઉપરાંત અન્ય એક વ્યક્તિનું નામ લખ્યું છે, જેને ઈરાને શહીદનો દરજ્જો આપ્યો છે.

આ પહેલી ઘટના નથી પણ બીજી વખત એવું છે જ્યારે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વર્ષ 2012ની શરૂઆતમાં ઇઝરાઇલી રાજદ્વારી તેલ યેહોશુઆ અને ભારતનો ડ્રાઈવર એક બ્લાસ્ટમાં ઘાયલ થયા હતા. તે એક મેગ્નેટિક વિસ્ફોટ હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. ત્યારે પણ ઇઝરાયેલે આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું.

દિલ્હી પોલીસ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવે ઇઝરાઇલ દૂતાવાસ પાસે થયેલા આતંકી હુમલા વિશે જાણ્યું હતું અને તેણે આતંકી હુમલો કહ્યો છે. ભારત સરકાર આ ઘટના અંગે ખૂબ કડક છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમના ઇઝરાયલી સમકક્ષ સાથે વાત કરી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે વિસ્ફોટ બાદ ગૃહ પ્રધાન અમિત શાહને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી છે.

નોંધનિય છે કે, દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ પાસે શુક્રવારે થયેલા બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ થઈ ગઈ છે. ફોરેન્સિક ટીમની તપાસમાં સામે આવ્યુ છે કે બ્લાસ્ટ માટે એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરાયો હતો.ઘટનાસ્થળેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને અડધો સળગેલો ગુલાબી રંગનો દુપટ્ટો અને એક પરબિડીયું મળી આવ્યું છે. જેની પર ‘ટૂ ધ એમ્બેસ્ડર’સાથે ઈઝરાયલના દૂતાવાસનું સરનામું લખેલું છે.ફોરેન્સિક ટીમ હવે ફિંગર પ્રિન્ટની તપાસ કરવામાં લાગી ગઈ છે.

પોલીસે ઘટનાસ્થળ પાસે લાગેલા સીસીટીવીથી બે શંકાસ્પદોની ઓળખ પણ કરી છે. આ બન્ને શંકાસ્પદ એક કેબમાંથી ઉતરતા જોવા મળ્યા હતા. પોલીસે કેબ ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી દીધી છે. ડ્રાઈવરની મદદથી બન્ને શંકાસ્પદોનો સ્કેચ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પોલીસે મોડી રાતે ઘણા વિસ્તારમાં દરોડા પણ પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *