ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી NASAના એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે. આથી તેમણે ભવ્યાને આ મહત્વની જવાબદારી આપી છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ બાઈડેનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યા છે.
NASAએ એક નિવેદનમાં કહ્યું- ભવ્યા દરેક રીતે આ પદ માટે કાબેલ છે. તેમની પાસે એન્જિનિયરીંગ અને સ્પેસ ટેકનોલોજીનો અનુભવ છે. તેઓ 2005થી 2020 સુધી સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઈન્સ્ટીટ્યુટ (STPI)ના ડિફેન્સ એનેલિસિસ વિંગમાં મેમ્બર અને રિસર્ચર રહ્યા છે. નિવેદનમાં આગળ કહેવાયું છે-સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સ્ટ્રેટેજી એન્ડ પોલિસીમાં ખાસ્સો અનુભવ હોવાની સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પોલિસી અને નેશનલ સ્પેસ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. લાલ માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની જ નહીં પણ સ્પેસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીની પણ ઊંડી જાણકારી ધરાવે છે.
ભવ્યા સતત બે વાર નેશનલ ઓસિયાનિક એડમિનિસ્ટ્રેશન કમિટીને લીડ કરી ચૂક્યા છે. નાસામાં પહેલા તેઓ એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર પણ રહી ચૂક્યા છે. સ્પેસ રિસર્ચના મામલે અમેરિકાની મોટી કંપની C-STPS LLCમાં પણ ભવ્યા કામ કરી ચૂક્યા છે. ત્યારપછી તેઓ તેના પ્રેસિડન્ટ પણ બન્યા. તેના પછી તેમને વ્હાઈટ હાઉસમાં સ્પેસ ઈન્ટેલિજન્સ કમિટીના મેમ્બર બનાવાયા હતા.