ગુજરાત રાજ્યમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, ગુજરાત તરફ ઠંડા પવનો ચાલુ રહેવાથી છેલ્લા થોડા દિવસથી ઠંડીનું જોર યથાવત રહ્યુ હતું. હવામાન વિભાગના મતે મંગળવારથી ઠંડીમાં ઘટાડો થશે. જ્યારે હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ફેબ્રુઆરીનાં 11 દિવસમાં માવઠું પડી શકે છે.
છેલ્લા થોડા દિવસથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજથી દક્ષિણ પૂર્વના પવનને કારણે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે. સોમવારે અમરેલી 7.8 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં 11.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 2થી ત્રણ દિવસમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. જોકે, ત્યારબાદ બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે.
ફ્રેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની શક્યતાની આગાહી હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક નહિ પરંતુ બે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારત,રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે. સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.