- ઓવૈસીના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા
- ઓવૈસીએ ઈશારામાં કોંગ્રેસને લીધી આડેહાથ
- સભામાં પ્રવેશતી વખતે લોકોની બાઉન્સર સાથે થઈ ઝપાઝપી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પાર્ટી મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા તેઓએ સૌ પ્રથમ ભરુચ ખાતે જાહેર સભા કરી હતી અને ત્યારબાદ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બીજી જાહેરસભાનું આયોજન કર્યું હતું. અમદાવાદ ખાતેની જાહેરસભામાં તેઓએ 2002ને પણ યાદ કર્યું હતું. હું હૈદરાબાદથી ડોક્ટરો લઈને આવ્યો હતો. કોઈ એક મુસ્લિમ ફાઈવસ્ટાર હોટેલમાં આવ્યો હતો.શાહઆલમમાં મેડિકલ કેમ્પ લગાવ્યો હતો.બેથી ત્રણ દિવસ કેમ્પમાં 10,000 લોકો એવા હતા જેઓની તમામ વસ્તુ લૂંટાઈ ગઈ હતી.
અમદાવાદમાં આજે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી પહોંચ્યા હતા અને બે જાહેરસભાનું આયોજન કર્યું હતું. તેઓએ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે એક જાહેરસભા કરી હતી. આ જાહેરસભામાં તેઓએ ભાજપ અને કોંગ્રેસને આડેહાથ પણ લીધા હતા. તેઓએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટી પીએમ મોદીથી ડરે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, 2006માં વડોદરામાં એક દરગાહ તોડી નાખી હતી. યાકુબપુરામાં દરગાહ હતી ત્યાં તોફાન થયા હતા. 10 લોકોને હૈદરાબાદ લઈ જઈ સારવાર કરાવી. અમે બહુ મદદ કરી છે. વિધાનસભામાં પણ ઉમેદવાર ઉભા થશે. તમારા સાથની જરૂર છે. તમે એક થઈ જાઓ, એક દીવાલ બની જાઓ તો તમામ તાકાત તમારી સામે ઝૂકી જશે અને તમારું કામ કરશે.આ ત્યારે થશે જ્યારે 21 ઉમેદવારને જીતાડશો. માત્ર આ અમદાવાદ, ગોધરા ચૂંટણી સુધી જ નથી. ઈશારા ઈશારમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ મોદી અને RSSથી ડરે છે. વડાપ્રધાન પદની ઈજ્જત કરીએ છીએ પણ મોદીથી ડરતા નથી. અમારા પર આરોપ મૂકે છે કે આ B ટીમ અને C ટીમ છે.