કોરોના મહામારી દરમિયાન મહિના સુધી માસ્ક અને લોકડાઉન વિરુદ્ધ રેલી કરનાર અમુક દેખાવકારો હવે કોવિડ-19 વેક્સિનેશનના વિરોધમાં ઊભા થઈ ગયા છે. તાજેતરમાં જ અમુક લોકોએ કોરોના વાઈરસ વેક્સિનના વિરોધમાં ડોઝર સ્ટેડિયમમાં સામૂહિક વેક્સિનેશન સ્થળના એન્ટ્રી ગેટ પર હુમલો કર્યો. કેલિફોર્નિયા વેક્સિનના વિરોધનું જૂનું અપ્રિય કેન્દ્ર રહ્યું છે, જ્યારે આ તરફ કોરોના વાઈરસ રાજ્યમાં હાલ પણ ફેલાઈ રહ્યો છે. ગત સપ્તાહે કેલિફોર્નિયામાં દરરોજ સરેરાશ 500 લોકોનાં મોત કોરોનાથી થઈ રહ્યાં અને ઝડપથી એ ન્યૂયોર્કને પાછળ છોડીને સૌથી વધુ મોતવાળું રાજ્ય બની જશે.

મહિનાથી આ કટ્ટર દક્ષિણપંથી કાર્યકર્તા માસ્ક પહેરવાના નિયમો, બિઝનેસ, લોકડાઉન, કર્ફ્યૂ અને સ્વાસ્થ્ય અધિકારીઓ વિરુદ્ધ રેલી કરી રહ્યા છે. તે આને વ્યક્તિગત સ્વતંત્રતામાં સરકારને હસ્તક્ષેપ ગણાવી રહ્યા છે, પરંતુ હવે જ્યારે માસ્ક અને લોકડાઉન અમેરિકન જીવનનો ભાગ બની ગયાં છે, તો અમુક પ્રદર્શનકારોએ પોતાનો વિરોધ અને ગુસ્સો કોવિડ-19ની વેક્સિન તરફ વાળ્યો છે. ગત સપ્તાહે આ પ્રદર્શનકારોના એક નાના ગ્રુપે ડોઝર સ્ટેડિયમના વેક્સિનેશન સ્થળ પર હોબાળો કર્યો હતો. સ્ટેડિયમના પ્રવેશને અટકાવવાના પ્રયાસ કરાયા. આ સ્ટેડિયમમાં દરરોજ સરેરાશ 6,120 લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. પ્રદર્શનકારોએ ‘ડોન્ટ બી લેબ રેટ’ અને ‘કોવિડ-સ્કેમ’ જેવાં પોસ્ટર હાથમાં પકડ્યાં હતાં.
