રાજ્ય સરકારે ગુજરાતમાં 65 લાખ ગરીબ પરિવારોને સારી તબીબી સારવાર મળી રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. આ પરિવારોને PMJAY-MA ( મા યોજના ) યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. રાજ્ય સરકાર આ યોજના હેઠળ રૂા.1400 કરોડ જેટલી વિમા પ્રિમિયમ પેટે માતબર રકમ ચૂકવશે. હાલમાં સમગ્ર રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં, હવે તો આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીની ફાઇલ પર આરોગ્યમિત્રનો મોબાઇલ નંબર લખાઇ જશે જેથી દર્દીને કોઇપણ મુશ્કેલી હશે તો આરોગ્યમિત્ર મદદરૂપ બનશે, સમયસર ઓપરેશન સહિતની સારવાર શરૂ થઇ જશે. ટૂંકમાં દર્દી દાખલ થાય ત્યારથી માંડીને સારવાર પૂરી થાય ત્યાં સુધી આરોગ્ય મિત્ર સંભાળ રાખશે. આ સુવિધા આગામી એકાદ સપ્તાહથી સરકારી હોસ્પિટલોમાંઅમલમાં આવશે.
સરકારી હોસ્પિટલોને રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાએ આયુષ્યમાન કાર્ડધારક દર્દીની સારી સારવાર કરતી પ્રોત્સાહિત ઇનામો આપવા પણ આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલી યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટ ઉપરાંત ગર્વમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટયુટના ડાયરેક્ટર ડો. રાજેશ સોલંકીને મુખ્યમંત્રીના હસ્તે સન્મામિત કરાયા હતાં.