Sun. Oct 13th, 2024

અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ગોતા, સેટેલાઈટ અને વેજલપુર વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. આ ઉપરાંત  ઈસનપુર, મણિનગર, નારોલ, ઘોડાસરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં 21 ઈંચ સાથે 61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 27 તાલુકામાં વરસાદનું પ્રમાણ 40 ઈંચથી વધુ છે. ગુજરાતમાં કચ્છમાં અત્યાર સુધી 19 ઈંચ સાથે સીઝનનો સૌથી વધુ 104 ટકા, દક્ષિણ ગુજરાતમાં 44 ઈંચ સાથે 76 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 59 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 16 ઈંચ સાથે 51 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 10 ઈંચ સાથે 36 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છ ઉપરાંત નર્મદા એવો જિલ્લો છે જ્યાં વરસાદ 100 ટકાથી વધુ નોંધાયો છે. નર્મદામાં 43 ઈંચ સાથે સીઝનનો 102 ટકા વરસાદ વરસ્યો છે. ઈંચની રીતે વલસાડમાં સૌથી વધુ 77 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન 40 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 22 જુલાઇ 2022થી સવારે 6થી 23 જુલાઇ સવારે 6 કલાક સુધીમાં આ વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ વડોદરાના સિનોરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો નર્મદાના ડેડિયાપાડા, ગીરસોમનાથના સૂત્રાપાડામાં વરસ્યો 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

નોંધનીય છે કે, કુલ 126 તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 61 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સીઝનનો 105 ટકા વરસાદ વરસ્યો છે. તો સીઝનનો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 36.40 ટકા નોંધાયો છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીયે તો આજથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ રહેશે, તો અમદાવાદ અને ગાંધીનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

Related Post

Verified by MonsterInsights