Mon. Oct 7th, 2024

અમદાવાદના ઘાટલોડિયામાં રીક્ષા ચાલકની તિક્ષ્ણ હથિયાર વડે ગરદન પર ત્રણ ઘા મારી ઘાતકી હત્યા કરી

અમદાવાદ: ઘાટલોડીયા વિસ્તારમાં મોડી રાતે રીક્ષા ચાલકની અદાવતમાં એક શખ્સે ગરદન પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ હતી. દિવસે ભાડેથી રીક્ષા ચલાવી રાતે તે જ રીક્ષામાં રાત વિતાવતો હતો. જો કે આરોપીએ રાતના સમયે રીક્ષા ચાલકનું ઢીમ ઢાળી ફરાર થઇ ગયો હતો. આ મામલે સોલા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે

ઘાટલોડિયા વિસ્તારમાં પાવાપુરી એટીએમ બસસ્ટેન્ડની બાજુમાં સદ્ભાવના સર્કલ પાસે રહેતા મૃતકની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પૂનમ ઉર્ફે લાલો ભાડેથી રીક્ષા ચલાવે છે અને ત્યા રોડ પર સૂઇ જાય છે. ગત રોજ રાત્રિના સમયે સૂર્યોદય કોમ્પલેક્ષની આગળ તેમનો દિકરો પૂનમ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તાત્કાલિક 108ની મારફતે સોલા સિવિલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યા હાજર તબિબે પૂનમ ઉર્ફ લાલાને મૃત જાહેર કરાયો હતો.

મૃતકની માતાએ ફરિયાદમાં આરોપ લગાવતા જણાવ્યું હતું કે હત્યા પાછળ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા ધલલ રાવળનો હાથ છે. અગાઉ ઝઘડાની અદાવત રાખી ધવલે રીક્ષામાં સૂઇ રહેલા પૂનમને ઉપરા છાપરી ગરદન પર તિક્ષણ હથિયારના ઘા મારી ફરાર થઇ ગયો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આરોપી કાયરતાથી અડધી રાતે પૂનમ પર એક પછી એક ઘા કરી ભાગતો નજરે ચડે છે.હાલ આ મામલે સોલા પોલીસે આરોપી ધવલ રાવળ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights