Sat. Oct 5th, 2024

અમદાવાદ:‘મરવા જઉં છું, એવી રીતે મરીશ કે મળીશ જ નહીં’સાબરમતી ASIની પુત્રી ગુમ:ફોનનું લોકેશન સુરેન્દ્રનગર કેનાલનું મળ્યું

અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ગિરીશદાન ગઢવીનાં દીકરી સોનલબેનના લગ્ન હાલ ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા પી. એસ. ગઢવીના દીકરા ધર્મેન્દ્રદાન સાથે થયા હતા. 14 વર્ષના લગ્નજીવન બાદ તેમને સંતાનમાં દીકરો અને દીકરીનો જન્મ થયો હતો, પરંતુ સાસરિયાંમાં તેમને ત્રાસ મળતો હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી પિયરમાં રહેતાં હતાં અને ત્યાં પણ તેમના પતિ ‘ઘરે આવી જા, નહિતર હું મરી જઈશ’ એવા ફોન કરતા હતા, આથી કંટાળીને સોનલબેન ગુરુવારે ચિઠ્ઠી મૂકીને ઘર છોડી ગયાં હતાં. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘હું મરવા જઉં છું.’ગુરુવારે બપોરે 1.53 વાગ્યે પિતાને ઓડિયો-ક્લિપ પણ મોકલી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘તે મને વારંવાર મરવાની બીક બતાવતો હતો, તે શું મરવાનો હતો, હું જ તેને મરીને બતાવી દઈશ.’

તેમણે ઓડિયો-ક્લિપમાં એમ પણ કહ્યું હતું કે ‘હું એવી રીતે મરીશ કે તમને કદાચ મળીશ પણ નહિ.’ આવી ઓડિયો-ક્લિપ મોકલીને મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો. તેમનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરના દૂધરેજની નર્મદા કેનાલનું આવતું હતું, આથી તેમનાં પરિવારજનો સુરેન્દ્રનગર દોડી આવ્યાં હતાં અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં સતત 8 કલાક સુધી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સોનલબેનની ભાળ મળી ન હતી. જોકે આ કેનાલમાં જો કોઈ મૃતદેહ હોય તો ફસાઈ જાય તેવી સ્થિતિ નથી, આથી સોનલબેન ક્યાં ગયાં એ અંગે રહસ્ય ઘેરાયું છે. દીકરી ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયાં છે.

હું હવે આ માનસિક ત્રાસ સહન નહિ કરી શકું, મેં મારાથી બનતું હતું ત્યાં સુધી બહુ સહન કર્યું, પણ હવે નથી થતું. તે મને વારંવાર મરી જવાની બીક બતાવતો હતો, એ શું મરતો હતો, હું જ તેને મરીને બતાવી દઉં છું. હું મોતને વહાલું કરવા જઈ રહી છું, એટલે આ ઓડિયો-ક્લિપ તમને મોકલું છું. મારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખજો. પપ્પા, ભાઇલા બધાય હિંમત રાખજો.આ ઓડિયો-ક્લિપ મળે તો મને ગોતવાની તકલીફ ન કરતાં, હું નહીં મળું તમને. હું એવી રીતે મરીશ કે કદાચ તમને મળીશ પણ નહિ. આ ઓડિયો તમને મળશે ત્યાં સુધીમાં હું આ દુનિયામાં નહીં રહી હોય.

કેનાલમાં વારંવાર લાશ મળી આવવાના બનાવો બને છે. શોધખોળમાં કલાકો નીકળી જાય છે. આટલો બધો સમય ફાયરની ટીમને પાણીમાં રહેવું પડે છે, આથી ફાયરના ઇન્ચાર્જ છત્રપાલસિંહ ઝાલાએ કેનાલમાં બોટ ઉતારીને સોનલબહેનને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

સોનલબેનના પિતા 10 વર્ષ પહેલાં સુરેન્દ્રનગર નોકરી કરતા હતા. બાદમાં તેમની બદલી અમદાવાદ થઇ હતી, પરંતુ સોનલબેન સુરેન્દ્રનગર ક્યારેય પણ આવ્યાં ન હતાં. તેમને આ બાજુનો રસ્તો પણ જોયો નથી. તો સોનલબેન અહીં કેવી રીતે આવ્યાં એ તપાસનો વિષય બન્યો છે.

ઓસ્ટ્રેલિયાથી તેના ભાઈએ કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં તેણે મને કહ્યું હતું કે મેં બળવાથી કે દવા પીને મરવાથી બીક લાગે છે, પરંતુ મને તરતા નથી આવડતું, એટલે હું કેનાલમાં ડૂબી મરવા જઇ રહી છું. ભાઇલા, મારાં દીકરા-દીકરી અને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે.

મારી દીકરી સોનલ ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગઈ હતી, ત્યારે તેણે ચિઠ્ઠી લખી હતી. એમાં તેણે લખ્યું હતું કે હું મરવા માટે જાઉં છું. ચિઠ્ઠી વાંચીને અમે તેની શોધખોળ કરી, પરંતુ કોઈ જગ્યાએ તેની ભાળ મળી ન હતી. તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. મોબાઇલનું છેલ્લું લોકેશન કઢાવ્યું. રાત્રિના 1.35 વાગે મોબાઇલનું છેલ્લું લોકેશન સુરેન્દ્રનગરની કેનાલનું આવ્યું હતું, આથી અમે અહીં દોડી આવ્યા અને ફાયરની ટીમને જાણ કરી છે. હજુ સુધી દીકરીનો પતો મળ્યો નથી. એકવાર તેનું મોઢુ જોવા મળી જાય તો પણ બસ.> ગિરીશદાન ગઢવી, દીકરીના પિતા.

Related Post

Verified by MonsterInsights