કોરોનાની મહામારીમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન વેચવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા બે આરોપીઓને અમદાવાદ સાઇબર ક્રાઈમે ઝડપી લીધા છે. આરોપી ઓનલાઈન વેબસાઇટ પર વેપારીઓને ઓક્સિજન મશીન વેચવા માટે લોભામણી લાલચ આપી ટાર્ગેટ કરતા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આવા બે શખ્સોની અમદાવાદમાંથી જ ધરપકડ કરી 59 લાખ રૂપિયા કબ્જે કર્યા છે. પકડાયેલા બંને આરોપીઓની મોડેસ ઓપરેન્ડી ખુબ જ અલગ પ્રકારની હતી. જેનાથી કોઈપણ વેપારી તરત જ આકર્ષાઈ અને તેમની પાસેથી માલ ખરીદવા માટે તત્પર થઈ જતો.
આરોપીઓ સર્જીકલ ઇક્વિપમેન્ટનો વેપાર કરતા હોવાની એક ઓનલાઇન વેબસાઈટ “એટમદાસ” બનાવી હતી. જેમાં તમામ સર્જિકલ સાધનો આ વેબસાઈટમાં પર મુકતા અને નાના-મોટા કોઈ પણ ઓર્ડર ઓનલાઈન વેબસાઈટ મારફતે જ મેળવતા હતા. છેલ્લા એકાદ વર્ષથી આરોપીઓ પર અનેક વેપારીઓને થર્મોમીટર, ગ્લોવ્ઝ કે અન્ય સર્જીકલ ઇક્વિપમેન્ટના નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પણ પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. જેને પગલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.
માલ ખરીદવા 10 ટકા પેમેન્ટ એડવાન્સ માંગ્યુ
ફરિયાદી ઘાટલોડિયામાં રહેતા અને ચાંગોદરમાં એક્સ રે મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવતા નીરવ લાલાને ઓડિશાના એક ડીલરે એક બિલનો ફોટો અને કંપનીની વિગત આપી હતી. જેથી ફરિયાદીએ નિરવભાઈએ ફોન કરી એટમદાસ નામની કંપનીમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લેવાનું કહ્યું. જોકે આરોપીઓએ પહેલા ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહેતા ઓર્ડર મોટો હોવાનું કહી ફરિયાદીએ એડવાન્સ રૂપિયા આપવાનું ટાળ્યું. પરંતુ આરોપીઓએ ફોન પર જ ફરિયાદીને કહ્યું કે હાલ કોરોનાને પગલે આ મશીનના ખૂબ જ ઓર્ડર આવે છે તો આપે ખરીદવા હોય તો 10 ટકા એડવાન્સ પેમેન્ટ આપવું પડશે.
એડવાન્સ પેમેન્ટ મળતાં જ ફોન બંધ કરી દીધાં
ફરીયાદીએ આરોપી પાસેથી 25 હજારની કિંમતના 5 લીટર ક્ષમતાવાળા એક હજાર ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન તથા 50 હજારની કિંમતના 10 લીટરની કેપેસીટી વાળા એક હજાર મશીનનો કુલ સાત કરોડ પચાલ લાખ રૂપિયાનો ઓર્ડર આપેલ તથા સાહેદ કૌશિકભાઇ શાહ નામના વ્યક્તિએ પણ આવા મશીન ખરીદવા માટે 75 લાખનો ઓર્ડર આપેલ આમ આરોપીઓને કુલ આઠ કરોડ પચીલ લાખ નો ઓર્ડર આપેલ અને ફરીયાદી તથા સાહેદોએ રૂ. 1.13 કરોડ રૂપિયા એડવાન્સમાં ભરી દિધાં હતાં. તેમ છતાં આરોપીઓએ કોઇ મશીન મોકલ્યું નહોતું અને ફોન બંધ કરી દીધો હતો.