હવે એકાએક બે દિવસથી સિવિલ હોસ્પિટલની બહારથી 108 એમ્બ્યુલન્સની લાઈન ગાયબ જોવા મળી રહી છે. સ્થાનિક અખબારને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ એમ્બ્યુલન્સો એક જગ્યાએ ઊભી રહેવાને બદલે હોસ્પિટલની આસપાસ રહે છે. જ્યારે સિવિલમાંથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના હોય ત્યારે એમ્બ્યુલન્સ દર્દીને લેવા પહોંચી જાય છે.
માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવવાનું શરૂ થયા બાદ થોડા દિવસોમાં જ હોસ્પિટલો ફુલ થવા લાગી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર પણ 108ની લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, સિવિલ કેમ્પસમાં 108ની લાઈનો હવે જોવા મળતી નથી. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં કોવિડ સેન્ટર શરૂ કરાયા છે અને દર્દીઓને ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા હોવાથી પણ સિવિલની બહારની લાઈનો ઘટી ગઈ છે.
સિવિલ હોસ્પિટલમાં પહેલા 60 જેટલી એમ્બ્યુલન્સની કતાર લાગતી હતી. તેના માટે તંત્રએ અલગ-અલગ વ્યવસ્થા પણ ગોઠવી હતી. પરંતુ છેલ્લા 2-3 દિવસોથી કતારો ઘટી ગઈ છે. હવે સિવિલમાં 5-7 એમ્બ્યુલન્સની જ લાઈન રહે છે અને કાર્યવાહી પણ ઝડપી થઈ રહી છે. સૂત્રોનું માનીએ તો, 1200 બેડની આ કોવિડ હોસ્પિટલ તો ફુલ જ છે પરંતુ એમ્બ્યુલન્સને હોસ્પિટલની આસપાસ ઊભી રાખવાની જે આ નવી સિસ્ટમ વિકસાવાઈ છે તેના લીધે લાઈનો ઓછી થઈ છે.
તેનું કારણ એ છે કે 108માં કોઈનો ફોન આવે ત્યારે દર્દીને 4-6 કલાકનું વેઈટિંગ હોવાનું કહેવામાં આવે છે. ત્યાં સુધી એમ્બ્યુલન્સ હોસ્પિટલની આસપાસ જ રહે છે. સિવિલમાંથી દર્દીને રજા આપવામાં આવે અથવા મૃત્યુ થાય તે સંખ્યા મુજબ 108ને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ 108 નવા દર્દીને લેવા પહોંચે છે. બીજી બાજુ અન્ય કોવિડ સેન્ટરો પણ કાર્યરત થયા છે. જેથી દર્દીઓને ત્યાં પણ લઈ જવાય છે. માટે સિવિલમાં લાગતી લાંબી લાઈનો ઘટવાનું એક કારણ આ પણ છે.