અમદાવાદમાં દર ચોમાસાની જેમ જાહેર રોડ ઉપર રખડતાં ઢોરોનો ત્રાસ ચાલુ વર્ષે પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયો છે. મ્યુનિ.ના ઢોર ત્રાસ નિયંત્રણ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થાય છે.પોલીસ તંત્રના કર્મચારીઓ અને મ્યુનિ.ના કર્મચારીઓઓ આ અંગે સંયુક્ત રીતે કામગીરી કરતાં હોય છે, પણ હાલ કામગીરી નબળી થઈ ગઈ હોવાનું જણાય છે. ઠેર ઠેર ટ્રાફિકને અડચણરૂપ ઢોરના ટોળાં રોડની વચ્ચોવચ બેસી ગયા હોય છે.
ઢોર નહીં પકડવાની કે પકડવાની બાબતે સાંઠગાંઠ અને હપ્તા પદ્ધતિ પણ કામ કરતી હોવાના આક્ષેપો અગાઉ થઈ ચૂક્યા છે. હાલ માનસી સર્કલથી પરિવાર સોસાયટી તરફ પ્રેમચંદનગરની પાછળનો રોડ, ગુલબાઈ ટેકરાંથી લો ગાર્ડન તરફનો રોડ, સેટેલાઈટ રોડ, મેમનગર, વસ્ત્રાલ વગેરે સ્થળોએ રખડતાં ઢોર જોવા મળે છે.અગાઉના કમિશનરે રોજેરોજ પકડાતાં ઢોરની સંખ્યા પ્રેસનોટ દ્વારા જાહેર કરવાનો આદેશ સંબંધિત ખાતાને આપ્યો હતો. રખડતા ઢોરનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવાની ચર્ચા દર ચોમાસા દરમ્યાન થાય છે અને ચોમાસાની વિદાય સાથે ભૂલાય જાય છે. સરખેજથી આગળ મોટો ઢોરવાડો બનાવવાની યોજના એક કરતાં વધુ વખત જાહેર થઈ ચૂકી છે.
બીજી તરફ અગાઉના કમિશનરના વખતમાં ઢોરવાડામાંથી 96 ગાયો ગુમ થઈ હોવાનો આક્ષેપ સત્તાધારી ભાજપના તે સમયના મ્યુનિ. નેતાએ કર્યો હતો. વિજીલન્સ તપાસમાં આ બાબત સાચી હોવાનું એક અધિકારી સ્ટેન્ડિંગ કમિટીમાં બોલી જતા ભારે ઉહાપોહ થયો હતો.પછીથી તો વિપક્ષ કોંગ્રેસે પણ આ મુદ્દે ધરણાં અને દેખાવો યોજ્યા હતા. તે સમયના કમિશનરે વિજીલન્સના રિપોર્ટને નકારીકાઢી ત્રણ ડે. કમિશનરોની તપાસ કમિટી નીમી હતી. જેનો અહેવાલ પછી ક્યારેય જાહેર થયો નહીં અને ગૂમ થયેલી ગાયોના મુદ્દા પર ઠંડુ પાણી રેડી દેવાયું હતું.
એ સમયે દાણીલીમડાના ઢોરવાડામાં સીટીટીવી કેમેરા ગોઠવવાની પણ માગણી થઈ હતી, જે બાબતે હજુ સુધી કશુ જ નક્કર થયું નથી. ગયો ઉપર 70 લાખના ખર્ચે શેડ બનાવાયો છે, પણ કેમેરાની બાબત ભૂલાઈ ગઈ છે.શહેરમાં 80 હજારથી વધુ ગાયો છે, જે પૈકી 33 હજાર ગાયોના કાનવિધીને રૂ. 1.50 કરોડના ખર્ચે માઈક્રો ચીપ લગાવાઈ છે. ચાર વર્ષથી ચાલતી કામગીરી હજુ 50 ટકાએ પણ પહોંચી નતી. આ ચીપમાં ગાયના માલિકનું નામ, સરનામું તેમજ અન્ય જરૂરી વિગતો સંગ્રહાયેલી હોયછે.