Ahmedabad : અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ કોરોના વાઈરસ ને લઈને પાણી પહેલા પાળ બાંધવાની શરૂ કરી દીધી છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો પ્રભાવિત થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે જેને લઈને અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ત્વરિત સારવાર મળી રહે અને મૃત્યુઆંક ઘટાડી શકાય તે દિશામાં કામગીરી શરૂ કરી છે.
અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં 0 થી 5 વર્ષના બાળકોની સર્વેલન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓના બાળકોના સર્વેલન્સ ની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસરને સોંપવામાં આવી છે, જેને લઈને આંગણવાડી બહેનો, આશા વર્કર્સ બહેનોને તેમજ વિવિધ ડૉક્ટર્સની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બાળકોનું વજન, ઊંચાઈ, બાળકને કોઈ રોગ છે કે કેમ, બાળકનું ઓક્સિજન લેવલ તેમજ ટેમ્પરેચર આ તમામ વિગતોની સાથે હાઈરિસ્કવાળા બાળકોનું એક લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં અત્યાર સુધીમાં 9,608 બાળકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. જેમાંથી 126 બાળકો હાઈરિસ્ક તેમજ ન્યુટ્રિશિયનના અભાવની કેટેગરીમાં હોવાનું સામે આવ્યું છે. આવા બાળકોના વાલીઓને ત્રીજી લહેરથી બાળકોને બચાવવા શું કરવું જોઈએ તેની માહિતી અમદાવાદ વહીવટી તંત્રની વિશેષ ટીમ દ્વારા આપવામાં આવી રહી છે. જેના આધારે સંભવિત ત્રીજી લહેર આવે તો હાઈરિસ્કવાળા બાળકોને રિર્સવ ક્વોરોન્ટાઈન કરીને બાળકોને સુરક્ષિત રાખી શકાય અને કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને થનારું નુકસાન ઘટાડી શકાય.
,