Sat. Dec 7th, 2024

અમદાવાદ / જીઆરડીના બનાવટી કાર્ડ બનાવીને કરતા હતા નોકરી, અનેક લોકોનો તોડ કર્યાંની આશંકા

અમદાવાદ : જીઆરડીના બોગસ આઇકાર્ડ બનાવીને નોકરી કરતી ગેંગનો પર્દાફાશ થતા કુલ સાત લોકોની અસલાલી પોલીસે ધરપકડ કરવામાં આવી છે. ઘરપકડ કરાયેલી ગેંગે લાલ દરવાજા ખાતે આવેલી હોમગાર્ડની ઓફિસ માં કામ કરતા એક કર્મચારી મારફતે જીઆરડી (ગ્રામ્ય રક્ષક દળ)ના બોગસ કાર્ડ બનાવી દીધા હોવાનો ધટકસ્ફોટ થયો છે. અમદાવાદ ગ્રામ્યમાં જીઆઇડીના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાલુસિંહ ચૌહાણે અસલાલી પોલીસ સ્ટેશન માં સુનિલ પરમાર, વિશાલ પરમાર, હાર્દિક પરમાર, મહેશ પરમાર, જશવંત મકવાણા, મનિષ પ્રજાપતિ, જીતુ અને અમિત રાવલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસને આશંકા છે કે આ લોકોએ બનાવટી આઈકાર્ડના આધારે નોકરી કરીને અનેક લોકો પાસેથી તોડ કર્યો હોઈ શકે છે.

આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે આ કાર્ડ વટવાના જસવંત મકવાણા, વિવેકાનંદનગરના રહેવાસી મનીષ પ્રજાપતિની મદદથી સાણંદના અમિત રાવલ પાસે બનાવ્યા છે. અમિત રાવલ અગાઉ લાલ દરવાજા ગ્રામ્ય રક્ષક દળની ઓફિસમાં નોકરી કરતો હતો. આરોપીઓએ આ આઇ કાર્ડ રૂપિયા 15 હજારમાં બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આઇકાર્ડ નંબરના આધારે કૌભાંડનો પર્દાફાશ થયો છે. આઇકાર્ડ ઉપર લખેલા નંબરના આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જે નંબર આઈ કાર્ડમાં લખવામાં આવ્યો છે તે અસલાલીમાં ફરજ બજાવતા જીઆરડીના જવાનોનો નહીં પરંતુ સાણંદ તેમજ ધોળકા જિલ્લાના જીઆરડી જવાનનો છે. નંબરને સર્વીસ બુકમાં ચેક કરતા તે અન્ય લોકોને ફાળવેલા હોવાનું સામે આવ્યુ છે. અમિત રાવલ અને અન્ય બે આરોપીઓએ અત્યારસુધીમાં અનેક લોકોને જીઆરડીના બનાવટી કાર્ડ બનાવીને આપ્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. હાલ તેમની ધરપકડ કરીને બીજા કેટલાક લોકોને કાર્ડ આપ્યા તેના નામ જાણવા માટે તજવીજ શરુ કરી છે.

જાલુસિંહ ચૌહાણ પાંચમી જુલાઇના રોજ બળિયાદેવના મંદિર રવિવારના મેળાનો બંદોબસ્ત હોવાથી જીઆરડી જવાનોને ચેક કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે, અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરજ પર આવતા કેટલાક જીઆરડીના જવાનો બોગસ કાર્ડ બનાવીને આવી રહ્યા છે. જે આધારે નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં નીકળીને જીઆરડીના યુનિફોર્મમાં હજાર ચારેય ઈસમોની પૂછપરછ કરી તેમના આઇ કાર્ડ તપાસતા તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.

Related Post

Verified by MonsterInsights