અમદાવાદ: ફતેવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિના નાનાપણના મિત્રએ તારા પતિનું બધું દેવું પૂરું કરી દઈશ, તું મારા જોડે લગ્ન કરી લઈશ તો તેમ કહી છેડતી કરી હતી. પરિણીતાને યુવકે ફ્લેટની નીચે બોલાવી બાઈક પર બેસાડી મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો. જ્યાં આ રીતે વાત કરી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે પરિણીતાએ ના પાડતા તેનો હાથ પકડી તેની છેડતી કરી હતી. સમગ્ર બાબતને લઇને મહિલા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ફતેવાડી વિસ્તારમાં કેનાલ પાસે આવેલા એક ફ્લેટમાં રહેતી 34 વર્ષીય પરિણીતા તેના પતિ સસરા અને પાંચ બાળકો સાથે રહે છે. તેનો પતિ રીક્ષા ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર અગાઉ શાહપુર ખાતે રહેતી હતી ત્યારે તેના પતિનો નાનપણનો મિત્ર અલ્તાફ શેખને તેમના પરિવારમાં ઘર જેવો સંબંધ હતો. વર્ષ 2007માં આ મહિલા અને તેનો પરિવાર શાહપુરથી ફતેવાડી રહેવા આવ્યા હતા. ત્યારબાદ આ મહિલાના પતિનો ફોન ખોવાઈ જતા નવો ફોન અને સીમકાર્ડ લીધું હતું. જેથી પતિના મિત્ર અલ્તાફ શેખ સાથે સંપર્ક રહ્યા નહોતા.

દોઢ માસ પહેલા આ મહિલા અને તેનો દિયર કામથી બહાર જતા હતા. ત્યારે ફ્લેટની નીચે રિક્ષાની રાહ જોઇને ઊભા હતા. આ દરમિયાન તેના પતિનો જૂનો મિત્ર અલતાફ શેખ તેની રિક્ષા લઈને ડુંગળી બટાકાનો વેપાર કરતો હતો અને આ મહિલાના દિયરને જોઇ જતાં તેની પાસે આવ્યો હતો અને મહિલાના પતિનો નંબર માગતા મહિલાના દિયરે ભૂલથી આ મહિલાનો નંબર આપી દીધો હતો. બાદમાં બે-ત્રણ દિવસ પછી અવારનવાર આ અલ્તાફ મહિલાને ફોન કરી તેની સાથે અને તેના પતિ સાથે વાતચીત કરતો હતો. મહિલાના પતિને 10,000 રૂપિયાની જરૂર હોવાથી મહિલાએ અલ્તાફને 10,000ની લોન અપાવવાની વાત કરી હતી.

થોડા દિવસ પછી મહિલાના દીકરાનો ફોન તુટી ગયો હોવાથી મહિલાએ તેના પુત્રને એક જુનો ફોન લઇ આપવાની વાત કરી હતી. જેથી આ અલ્તાફ એ બે-ચાર દિવસમાં ફોનની સગવડ કરી આપી ફોન આપી જવાનું કહ્યું હતું. 18મીએ રાત્રે મહિલા તેના પરિવારજનો સાથે ઘરે હાજર હતી. ત્યારે તેના પતિનો મિત્ર અલ્તાફ તેના ઘરે આવ્યો હતો અને મહિલાના દીકરાને વાપરવા માટે એક જુનો ફોન આપી એકાદ કલાક રોકાયો હતો અને બાદમાં જતો રહ્યો હતો.

તસવીર પ્રતિકાત્મક છે

થોડા સમય બાદ અલ્તાફ મહિલાને ફોન કરી જણાવ્યું કે, હું તમારા ફ્લેટ નીચે ઉભો છું તમે નીચે આવો મારે તમારી સાથે વાત કરવી છે. જેથી મહિલાએ જણાવ્યું કે, તેના પતિનો આવવાનો સમય થઈ ગયો છે જેથી અલતાફ એ કહ્યું કે, તેનો પતિ હાલ રિક્ષા લઈને ચાંગોદર ગયો હોવાથી તેને આવતા વાર લાગશે. જેથી મહિલા નીચે ગઈ હતી ત્યારે અલ્તાફ આ મહિલાને બાઈક પાછળ બેસવાનું કહી અલ્તાફ તે મહિલાને મેટ્રો સ્ટેશન પાસે લઈ ગયો હતો.

ત્યાં જઈને જણાવ્યું કે, તારા પતિનું બધું દેવ પૂરું કરી દઈશ, તું મારી સાથે લગ્ન કરી લે. જેથી મહિલાએ ના પાડતાં અલતાફએ મહિલાનો હાથ પકડી કહ્યું કે તું મને ખૂબ જ ગમે છે તું મારી સાથે લગ્ન કરી લે. જેથી મહિલાની છેડછાડ કરનાર અલ્તાફની હરકત બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા આખરે પરિવારજનોએ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ અલ્તાફ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page