અમદાવાદ : રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ સર્વેક્ષણના મુદ્દે શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ સર્વેક્ષણને રદ કરવામાં આવે તેવી માગ કરી છે. જેને લઈને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ વચ્ચે બેઠક યોજાઈ છે.
આ બેઠકમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં. શૈક્ષિક મહાસંઘનો આરોપ છે કે, સર્વેક્ષણમાં શિક્ષકોને જોડાવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જો સર્વેક્ષણ મરજિયાત હોય તો શા માટે પરીક્ષા લેવામાં આવે છે.
મહત્વનું છે કે, આવતીકાલે 24 ઓગષ્ટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજાવાનો છે. જેમા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના બે લાખ શિક્ષકોનું સર્વેક્ષણ થશે. જેનો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે વિરોધ દર્શાવ્યો છે, અને આ સર્વેક્ષણ રદ કરવાની માગ ઉઠાવી છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણને માટે શિક્ષકો અને સરકાર સામસામે આવી ગયા છે.
ગાંધીનગર કંટ્રોલ અને કમાંડ સેન્ટર ખાતે શિક્ષકો ભેગા થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ સર્વેક્ષણનો બહિષ્કાર કરવાના પણ શપથ લીધા છે. તેમણે આક્ષેપ કર્યો કે, શિક્ષણ વિભાગમાં રૂપિયાના જોરે ટ્રાન્સફર સહિતના કામો થાય છે. શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તેમણે શિક્ષણ પ્રધાનને હટાવવાની પણ માગ કરી છે.