અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને કારણે કૃષિ પાકોને ખાસ કરીને બાગાયતી પાકોને મોટાપાયા પર નુકશાન થયું છે. આ નુકશાનમાં કૃષિકારોને મદદ કરવાં અને સહાયરૂપ થવાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રિન્સિપાલ શ્રી ડી. એમ. પટેલ ગામડાઓને ખૂંદીને ખેડૂતોને માર્ગદર્શન આપી રહ્યાં છે.
આ માર્ગદર્શનનો લાભ મેળવેલાં સાવરકુંડલાના સંદીપભાઈ જયાણી જણાવે છે કે તેમની વાડીમાં તાઉ- તે વાવાઝોડાને લીધે લીંબુ, જામફળી, આંબા, દાડમ જેવા છોડ જમીનદોસ્ત થઇ ગયા હતાં. એકપણ લીંબુ છોડ પર રહ્યું ન હતું. જે પણ લીંબુ વાળા છોડ વધ્યાં હતાં તે પણ તડકાને લીધે પીળા પડી ગયાં હતાં. આ સમયે કઇ રીતે છોડને બેઠા કરવા તેની ગડમથલ ચાલતી હતી. તેવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તેમની વાડીમાં આવીને આ માટેની જરૂરી દવા આપી છે. આ માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું છે. ફુગ ન આવે તેમજ છોડની ડાળ પર ગુંદર ન લાગે તે માટેની દવા આપી છે. છોડને કેમિકલ પ્રક્રિયાથી ફરીથી નવસર્જન થઇ શકે તે રીતે બેઠાં કરવાં માટેની પ્રોનિંગ સહિતની અદ્યતન ટેક્નીક શીખવાડી હતી. જેના કારણે હાલ તો મારી વાડીના મોટાભાગના છોડ બેઠાં થઇ ગયાં છે.
શ્રી સંદીપભાઈએ રાજ્ય સરકાર દ્વારા આ રીતે મુશ્કેલીના સમયમાં કરવામાં આવેલી મદદને બિરદાવી રાજ્ય સરકાર માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમરેલી જિલ્લામાં આવેલી કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ પૈકી ૨ ટીમ અમરેલી, ૧ ટીમ સાવરકુંડલા, ૧ ટીમ રાજુલા, ૧ ટીમ જાફરાબાદ, ૧ ટીમ ખાંભા એમ દરેક તાલુકા મથકો ઉપર કામગીરી કરી રહી છે. આ કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૬૮ ગામોની મુલાકાત લઇ ૩૭૪ થી વધુ ખેડૂતોના તેમના ખેતરમાં જઇને માર્ગદર્શન આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કૃષિ પાકોના સંરક્ષણ માટે કૃષિ વૈજ્ઞાનિકોની મદદ લેવાના લીધેલા નિર્ણયને પગલે કૃષિ યુનિવર્સિટીની વૈજ્ઞાનીકોની ટીમ ખેડૂતોને તેમના પડી ગયેલાં પાકને બચાવવાં માટે કાર્ય કરી રહી છે.આ ટીમો સવારથી જ જિલ્લા વહીવટીતંત્રની સર્વે ટીમ સાથે જોડાઇને વિવિધ ગામોમાં જઇને પડી ગયેલાં કૃષિ પાકોને બેઠાં કરવાં અને છોડ ફરીથી પુનર્જીવન પામે તે અંગેનું માર્ગદર્શન આપી રહ્યાં છે. જિલ્લામાં કેળ, આંબા, જામફળ, લીંબુ અને દાડમ જેવાં બાગાયતી પાકને વ્યાપક નુકશાન થયું છે. આ ઉપરાંત ઉનાળું બાજરી, તલ, મગફળી જેવાં પાકોને પણ નુકશાન થયું છે.
આ તમામ પાકોને બેઠાં કરવા માટેનું તાંત્રિક તેમજ વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે માટે વૈજ્ઞાનિકોની ટીમ મારફતે ખેડૂતોને તેમના ખેતરમાં જઇને છોડને કેવી રીતે બેઠો કરવો તેનું નિદર્શન આપવામાં આવી રહ્યું છે. આવી રીતે જિલ્લામાં નિદર્શનો યોજવામાં આવ્યાં છે.
વૈજ્ઞાનિકો દ્વારા ઉખડી ગયેલાં ઝાડને બેઠાં કરવાં લાકડાનો ટેકો આપીને ઉભો કરવો, ટ્રેક્ટરથી મદદથી છોડને તે પડેલો હોય તેની વિરૂધ્ધ બાજુ ઉભો કરવો અને છોડને ધીમે- ધીમે ઉભો કરી તેનો ટેકો લગાવવો, થડની આજુબાજુ માટી ચડાવવી, છોડને બચાવવાં માટે કોઇપણ ફુગનાશક દવા જેવી કે, સી.ઓ.સી. કે બાવિસ્ટીનને પાણીમાં ઘોળીને રેડવી અને હેવી પ્રુનીંગ સહિતની પાક સંરક્ષણની પધ્ધતિઓ દ્વારા પાકને પુનઃ સ્થાપિત કરવામાં કૃષિ વૈજ્ઞાનિકો મદદ કરી રહ્યાં છે.