આર્થિક ભીંસ તમને કેટલીક વાર એ હદે પકડમાં લઈ લે છે કે તમે ઇચ્છો તો પણ તેની બહાર આવી શકતા નથી. અને તેના વધુ ને વધુ ફસાતા જાઓ છે. સુરતના એક યુવાન સાથે પણ આવું જ કઈક ઘટના બની છે. હવે તમે તેને નસીબની બલિહારી ગણો કે બીજું કંઈ પરંતુ આ હકીકત છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં અરબાઝ રાણા ફોર વ્હીલ ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતા કોરોના બાદ આવેલા લોકડાઉનને કારણે ધંધામાંથી હાથ ગુમાવવો પડ્યો. પરિવારની બધી જવાબદારી તેના પર આવી જતા બોજો વધુ વધી ગયો. બહેનના લગ્નના કારણે દેવું પણ વધી ગયું. આર્થિક બોજો એટલો મુશ્કેલ લાગવા લાગ્યો કે તેમાંથી બહાર નીકળવા તેના મગજમાં નકારાત્મક વિચારો સતત આવ્યા કરતા હતા. જેથી તેમાંથી છુટકારો મેળવવા આખરે આ યુવાને તેની કિડની વેચવાનો નિર્ણય કરી લીધો.
કિડની વેચીને રૂપિયા કમાવવા તેણે ગૂગલ પર CELL KIDNEY FOR MONEY લખીને સર્ચ કરતા ઘણા વિકલ્પો સામે આવ્યા. જેમાંથી એક વેબસાઈટનો તેણે સંપર્ક કર્યો. જેણે બેગ્લોરની હોસ્પિટલના તેને ફોટોગ્રાફ્સ અને માહિતી બતાવી કિડનીના બદલામાં 4 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી. પહેલા 2 કરોડ રૂપિયા જમા કરાવશે તેવી લોભામણી વાતો કરી હોસ્પિટલના રજિસ્ટ્રેશન ફી તરીકે તેની પાસેથી સૌથી પહેલા 9,999 રૂપિયા લઈ લેવાયા.
જો કે, અહીં પણ આ યુવાન ન સમજ્યો. પહેલા તેના ખાતામાં 2 કરોડ અને કિડની ડોનેટ કર્યા પછી બે કરોડ આપવામાં આવશે તેવી વાતમાં આવીને ફરી તેની પાસે ટ્રાન્સફર ફી પેટે બીજા 35,000 અને એમ કરીને બાદમાં તેની પાસેથી ઇન્કમટેક્ષ ફી વગેરે કહીને અલગ અલગ ખાતામાં કુલ રૂ.14,78,400 પડાવી લેવામાં આવ્યા.
બદલામાં દેવું ચૂકતે કરવા ન તો તે પોતાની કિડની વેચી શક્યો ન તો તેને 4 કરોડ રૂપિયા મળ્યા. અધૂરામાં પૂરું તેણે 14 લાખ રૂપિયાથી પણ હાથ ધોવા પડ્યા. સુરત સાઇબર આ માટેની ફરિયાદ તેણે પોલીસ મથકમાં નોંધાવી, અને છેતરપીંડી કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.