આંશિક લોકડાઉન બાદ શરૂ થયેલી માર્કેટમાં નાના વેપારીઓની હાલત કફોડી બની છે. ૬૦ ટકા કારીગરો વચ્ચે પણ કામ ન હોવાને કારણે વેપારીઓએ કારીગરો ઓછા કર્યા છે તો કેટલાકે પગાર ઓછો કર્યો છે.
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં કોરોના સંક્રમણ ની સીધી અસર દેખાઈ રહી છે. ત્યારે સુરતની આશરે ૧૭૦ જેટલી ટેકસટાઇલ માર્કેટમાં ૬૫ હજારથી પણ વધુ દુકાનો છે. કપડા બજારમાં કટિંગ, પેકીંગ, ફોલ્ડિંગ,લોડિંગ -અનલોડિંગ મળીને લગભગ પાંચ લાખ જેટલા કારીગરો કામ કરે છે.
ત્યારે હોળી ધુળેટી સમયે પોતાના વતન ગયેલા ૪૦ ટકા જેટલા જ કારીગરો સુરત પરત ફર્યા નથી. જેથી આંશિક લોકડાઉન બાદ માર્કેટમાં કારીગરો તો છે પરંતુ વેપારની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે હાલ વેપારીઓ કારીગરોની સંખ્યા ઓછી કરી રહ્યા છે.
વેપારી દિનેશ કતારીયાએ કહ્યું કે, નાના દુકાનદારોની હાલત કફોડી છે. અગાઉ ૧૭ દિવસનું લોકડાઉન ચાલ્યું હતું. માંડ હજી કવર કર્યું ત્યાં બીજું આંશિક લોકડાઉન આવ્યું . આ લોકડાઉન જોવામાં લોકડાઉન ન હતુ પરંતુ હકીકતમાં અઘરું લોકડાઉન આ સમયનું રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ગામમાં બિમારી વધુ ફેલાય છે અને રીકવરી ઓછી જોવા મળી રહી છે. જેથી બહાર ગામથી બસ,ટ્રેન દ્વારા આવતા વેપારીઓ ડિસ્ટર્બ થયા છે.
માર્કેટનું કેસ ટ્રાન્જેક્શન અટકી ગયું છે. બહારગામના નાના વેપારીઓ કે જેઓ ઉધાર જેલી શકતા નથી તેમનો ધંધો બંધ થવા ઉપર છે. કેટલાક વેપારીઓ ૫૦ ટકા, કેટલાક ૩૦ ટકા કારીગરો ઓછા કરી રહ્યા છે તો કેટલાક પગાર ઓછો કરી રહ્યા છે. ગામડાની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી નાના વેપારીઓને તકલીફ થશે. હાલ વેપારની સ્થિતિ પણ એવી નથી કે કારીગરોની અછત જોવા મળે.