Wed. Jan 22nd, 2025

આજે ‘વર્લ્ડ મેડીટેશન ડે’ : ધ્યાન વિષે જાણવા જેવું, દર વર્ષે 21 મેના રોજ વર્લ્ડ મેડીટેશન ડે એટલે કે વિશ્વ ધ્યાન દિવસ મનાવવામાં આવે છે

દર વર્ષે 21 મેના રોજ વર્લ્ડ મેડીટેશન ડે એટલે કે વિશ્વ ધ્યાન દિવસ મનાવવામાં આવે છે. ધ્યાન એ યોગની એક ક્રિયા છે. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો સમાવેશ થાય છે. એટલે કે ધારણા બાદ અને સમાધિ પહેલાના તબક્કાને ધ્યાન કહી શકાય. સામાન્ય રીતે, ધ્યાનમાં કોઈ આકારનું ધ્યાન કરવામા આવે છે, આવા ધ્યાનને સાકાર ધ્યાન કહેવાય. તેમજ નિરાકાર-સર્વવ્યાપી ઇશ્વરનું ધ્યાન કરવામાં આવે, તેને નિરાકાર ધ્યાન કહે છે. શરૂઆતમાં નિરાકાર ધ્યાન કરવું અઘરું હોવાથી સાકાર ધ્યાન કરવાની યોગગુરૂઓ સલાહ આપે છે.

ધ્યાનની રીત

સામાન્ય રીતે, ધ્યાન માટે વહેલી સવાર અને મોડી રાતનો સમય વધુ અનુકુળ માનવામાં આવે છે. સ્નાન કરીને વધુ તંગ ન હોય તેવ વસ્ત્રો ધારણ કરીને ધ્યાનમાં બેસી શકાય. ધ્યાનનો સમય અને સ્થળ નિયમિત રીતે એક જ રહે તો વધુ સારી રીતે ધ્યાન થઈ શકે છે. આંખો બંધ કરીને ધ્યાનમાં બેસ્યા બાદ વિચારો પર કાબૂ મેળવીને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો હોય છે. અથવા માત્ર કોઇ એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં વધુને વધુ ઊંડા ઊતરવાનું હોય છે. ધ્યાનથી એકાગ્રતા, પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા, સમતા કેળવાય છે.

ધ્યાનના ફાયદા

41. ધ્યાન મનને શાંત અને સ્થિર કરે છે. ધ્યાનથી મન કેન્દ્રિત થઈ વધુ સજાગ બને છે.

2. ધ્યાન તનાવ દૂર કરે છે. અને મનમાં તનાવને પ્રવેશતા રોકે છે.

3. ધ્યાનના લીધે આવેશ ઘટે છે. મનને કાબુમાં રાખી શકાય છે. ક્રોધ અને હતાશા દૂર થાય છે.

4. મનની એકાગ્ર શક્તિ વધે છે. નિર્ણયશક્તિ દ્રઢ બને છે. આંતરિક શક્તિનું મૂળ મળતુ જાય છે.

5. શરીર તેજોમય બની જાય છે. ચેતના વિસ્તૃત થાય છે.

6. મન ખાલી થઇ જાય છે. કોઈ વિચારો સ્થિર થઇ જાય છે. વિચારોમાં સ્પષ્ટતા આવે છે.

7. સર્જનાત્મકતા અને અંતઃસ્ફૂરણા વધે છે.

ધ્યાનનો હેતુ

ધ્યાન અંતરની શોધ માટે, સમર્પણની ભાવના માટે, તટસ્થતાની સ્થિતિ કેળવવા માટે તેમજ પ્રાર્થનાના ભાવમાં તલ્લીન થવા માટે કરવામાં આવતું હોય છે. ધ્યાન કરવાથી આત્મબળ પણ વધતું હોવાનો યોગીઓનો મત છે. વૈજ્ઞાનિક રીતે પણ મન વિચારશૂન્ય બનવાથી તેની કાર્યક્ષમતા વધે છે. આમ, ધ્યાન કરવાનો મૂળ હેતુ મનને એકાગ્ર કરવાનો છે.

Related Post

Verified by MonsterInsights